મારું ગુજરાત

Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયો, FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાબારો ચાલી રહ્યા છે. એસજી હાઇવે પર YMCA ક્લબની સામે મહંમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયું છે.

જુદી જુદી હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કા આપવામાં આવતા હોવાનું FSLની તપાસમાં બહાર આવતા સરખેજ પોલીસે કેફેના સંચાલક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હામીદ બારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેફેમાંથી 24 હુક્કા અને 40 પાઇપો અને ફ્લેવર મળી આવ્યા

સરખેજ પોલીસને મે મહિનામાં એસજી હાઇવે પર મહંમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવા અંગેની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ દ્વારા કેફેમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ફેકેમાં ખુલ્લી જગ્યામાં ટેબલ પર હુક્કા મુકવામાં આવેલા હતા અને ત્રણ ગ્રાહકો હુક્કો પીતા હતા. હુક્કા દીઠ 1000 રૂપિયા અને દોઢ કલાક બેસવાનો સમય આપવામાં આવતો હતો.

પોલીસને કેફેમાંથી 24 હુક્કા અને 40 પાઇપો તેમજ અલગ અલગ ફ્લેવર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે કરી ફ્લેવરને તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવી હતી.

હુક્કા ફ્લેવરમાં નિકોટીનનો ઉપયોગ

પોલીસ દ્વારા મોકલવામાં આવેલા હુક્કા ફ્લેવર અંગે એફએસએલના રિપોર્ટ આવ્યો હતો જેમાં નિકોટીનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું.

ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાનું અને જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કો પીરસવા મામલે સરખેજ પોલીસે દિવ્યરાજસિંહ અને અબ્દુલ હામીદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button