Ahmedabad News: ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો! ગણેશજીની સ્થાપના વખતે જ પડ્યો સ્લેબ, 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગઇકાલે ( 27 ઓગસ્ટ) મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી.
બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ બાળક અને મહિલાઓ સહિત 10 થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા.
મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા, તે સમયે આ દુર્ઘટના બની હતી.
ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સ્લેબ સાથે નીચે પટકાયેલી મહિલાએ પોતાના નાના બાળકને બચાવવાની બુમરાણ સાથે રોકકળ કરી મૂકી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક નીચે ઉતર્યા હતા અને એકબીજાની મદદથી તેઓને બહાર કાઢ્યા હતા.
આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.