Ahmedabad : પતિ, સાસુ અને નણદોઈના ત્રાસથી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું, પેટમાં હતું 3 મહિનાનું બાળક

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ દહેજના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. ગતરોજ, 26મી સપ્ટેમ્બરના રોજ મોનિકા નામની આ મહિલાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના સમયે મોનિકા ત્રણ મહિનાની ગર્ભવતી હતી.
લગ્નના છ મહિનામાં જ આપઘાત
મોનિકાના પિતા અશોકભાઈ નાઈના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલાં જ મોનિકાના લગ્ન દિલીપ શ્રીવાસ સાથે થયા હતા. પરિવાર મોટો હોવા છતાં, અશોકભાઈએ ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને દીકરીના લગ્ન કરાવ્યા હતા.
લગ્ન બાદ થોડા જ સમયમાં મોનિકાના સાસરિયાં પક્ષના લોકોએ તેને દહેજ માટે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પિતા પાસે સાસરિયાંની માંગણીઓ પૂરી કરવાની ક્ષમતા ન હોવાથી મોનિકા સતત તણાવમાં રહેતી હતી.
પોલીસ ફરિયાદ અને ન્યાયની માગ
મોનિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. મોનિકાના પિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિ દિલીપ શ્રીવાસ, સાસુ કિરણબેન અને નણદોઈ રવિ સામે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.