ભારતમાં હાઇવે મુસાફરી માટે એક ઐતિહાસિક ફેરફાર થવાનો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં AI-આધારિત ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પછી વાહનોને ટોલ પ્લાઝા પર અટકવાની જરૂર નહીં રહે.
નવી મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ સિસ્ટમ હેઠળ વાહનો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટોલ પ્લાઝા પાર કરી શકશે. FASTagથી રાહ જોવાનો સમય 60 સેકન્ડથી ઓછો થયો હતો, જ્યારે MLFF સાથે ટોલ પર રાહ જોવાનો સમય સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે.
- AI અને સેટેલાઇટથી ટોલ વસૂલાત
આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે AI આધારિત હશે. સેટેલાઇટ ટેકનોલોજી અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન દ્વારા વાહનની ઓળખ થશે. FASTag, AI અને નંબર પ્લેટ સ્કેનિંગને જોડીને ટોલ આપમેળે કપાશે, જેથી ટોલ ચોરીની શક્યતા નાબૂદ થશે અને સિસ્ટમ વધુ પારદર્શક બનશે.
- ઇંધણ બચત અને આવકમાં વધારો
ગડકરીના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજીથી દેશમાં દર વર્ષે આશરે ₹1,500 કરોડનું ઈંધણ બચશે. સાથે જ સરકારની આવકમાં ₹6,000 કરોડ સુધીનો વધારો થવાની અપેક્ષા છે. FASTag લાગુ થયા બાદ પહેલેથી જ સરકારી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
- મુસાફરી વધુ ઝડપી અને સરળ
MLFF સિસ્ટમ લાગુ થતાં ટ્રાફિક જામ, લાંબી કતારો અને બિનજરૂરી અવરોધો દૂર થશે. સરકારનો ફોકસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રહેશે અને લક્ષ્ય છે ભ્રષ્ટાચારમુક્ત, ઝડપી અને આધુનિક ટોલ વ્યવસ્થા બનાવવાનો.


Leave a Comment