Airtel Mobile Network Down: એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! 3500થી વધુ ફરિયાદ નોંધાઈ

દેશભરમાં એરટેલની મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ છેલ્લા કેટલાક કલાકથી ઠપ થઈ છે. આ સેવાઓ બંધ થતા યુઝર્સ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એરટેલે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, આ સમસ્યાને ઝડપથી ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, તેમના મોબાઈલ પર નેટવર્ક સિગ્નલ તો દેખાઈ રહ્યું છે. પરંતુ કોલિંગ સંપૂર્ણપણે ઠપ છે. ઘણા લોકો કોલિંગ પણ કરી શકતા નથી. યુઝર્સે સોશિયલ મીડિયા પર એરટેલ વિરૂદ્ધ બળાપો કાઢ્યો હતો. સૌથી વધુ ફરિયાદો દિલ્હી એનસીઆરમાંથી નોંધાઈ હતી.
યુઝર્સને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ થતાં સોશિયલ મીડિયા, ઓનલાઈન પેમેન્ટ સહિત ડિજિટલ સેવાઓનો ઉપયોગ થઈ શકતો ન હતો. યુઝર્સે ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. જોકે, એરટેલની બ્રોડબેન્ડ અને વાઈફાઈ સેવાઓ સામાન્ય રૂપે કાર્યરત છે. સમસ્યા માત્ર મોબાઈલ નેટવર્ક સુધી સીમિત રહી હતી.
ચાર કલાકથી મોબાઈલ નેટવર્ક ડાઉન
સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે નેટવર્ક ડાઉન થતાં એરટેલની ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લા ચાર કલાકથી મારૂ એરટેલનું સીમ ચાલી રહ્યુ નથી. હું હવે પોર્ટ કરવાનું વિચારી રહ્યો છું.
એરટેલના નેટવર્ક સંબંધિત આજે નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી 68 ટકા ફરિયાદો ફોન કોલ્સ સંબંધિત હતી. જ્યારે 16 ટકા ફરિયાદો મોબાઈલ ઈન્ટરનેટ સંબંધિત અને 15 ટકા સિગ્નલ ન મળવાની ફરિયાદો હતી. અનેક યુઝર્સ 5જી પ્લાન હોવા છતાં 4જી નેટવર્ક પણ ચલાવી શકતા ન હતા.