AI અને ઓટોમેશનનો કહેર: એમેઝોન વૈશ્વિક સ્તરે હજારો પ્રોફેશનલ્સની કરશે છટણી

by

Thenewsdk

Updated: 27-01-2026, 12.51 PM

Follow us:

ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન (Amazon) ફરી એકવાર મોટી છટણીની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, કંપની 27 જાન્યુઆરીથી છટણીના નવા તબક્કાની શરૂઆત કરી શકે છે, જેમાં વૈશ્વિક સ્તરે અંદાજે 16,000 કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઈ શકે છે. આ નિર્ણયની સીધી અસર ભારત સહિત અનેક દેશોના કર્મચારીઓ પર પડશે.

મળતી માહિતી મુજબ, આ છટણી એમેઝોનના વ્યાપક કોર્પોરેટ પુનર્ગઠન (Restructuring) અભિયાનનો ભાગ છે. કંપનીનો હેતુ 2026ના મધ્ય સુધીમાં કુલ 30,000 કોર્પોરેટ હોદ્દાઓ ઘટાડવાનો છે. નોંધનીય છે કે, 2025ના અંતમાં પ્રથમ તબક્કામાં જ એમેઝોને આશરે 14,000 કર્મચારીઓને છટણીનો સામનો કરાવ્યો હતો.

આ વખતની છટણીમાં ભારત સ્થિત ટીમો પર ખાસ અસર થવાની શક્યતા છે. મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા ચર્ચાઓ મુજબ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં આવેલી એમેઝોનની કોર્પોરેટ ટીમો વધુ જોખમમાં છે. ખાસ કરીને Amazon Web Services (AWS), Prime Video, Retail Operations અને HR (PXT) વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે.

કેટલાક અહેવાલો અનુસાર, 1,000થી 2,000 કર્મચારીઓને WARN નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, કંપની તરફથી છટણીની ચોક્કસ સંખ્યા અથવા સમયપત્રક અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એમેઝોનના CEO એન્ડી જેસીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે આ છટણી માત્ર નાણાકીય દબાણ કે AIને કારણે નથી, પરંતુ કંપનીમાં વધતી ‘અમલદારશાહી’ ઘટાડવાનો પ્રયાસ છે. ઝડપી વિસ્તરણને કારણે મેનેજમેન્ટના અનેક સ્તરો ઉભા થયા હોવાથી નિર્ણય પ્રક્રિયા ધીમી પડી રહી છે, જેને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમ છતાં, AI અને ઓટોમેશનની ભૂમિકા પણ આ પુનર્ગઠનમાં મહત્વપૂર્ણ છે. એમેઝોન HR, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કસ્ટમર સપોર્ટ જેવી પ્રક્રિયાઓમાં ટેક્નોલોજી આધાર વધારી રહી છે, જેના કારણે માનવ સંસાધન પર આધાર ઘટાડવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમેઝોન વિશ્વભરમાં અંદાજે 15.7 લાખ કર્મચારીઓ ધરાવે છે, જેમાંથી લગભગ 3.5 લાખ કોર્પોરેટ વર્કફોર્સનો ભાગ છે. જો આ છટણી અમલમાં આવે છે, તો તે 2022-23 દરમિયાન થયેલી 27,000 કર્મચારીઓની છટણી કરતાં પણ મોટી સાબિત થઈ શકે છે. હાલ કર્મચારીઓમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને સૌની નજર હવે એમેઝોનની સત્તાવાર જાહેરાત પર ટકી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.