નવા વર્ષની ઉજવણી વચ્ચે ઑનલાઈન સ્કેમનો ખતરો, ‘Happy New Year’ લિંકથી ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

by

Thenewsdk

Updated: 31-12-2025, 06.21 AM

Follow us:

વર્ષ 2025 હવે અંતિમ તબક્કે પહોંચી ગયું છે અને નવા વર્ષની ઉજવણી વચ્ચે સાયબર ગુનેગારો વધુ સક્રિય બન્યા છે. ગુજરાતમાં હાલ ‘હેપ્પી ન્યૂ યર’ લખાણ સાથે આવતી આકર્ષક લિંક્સ દ્વારા લોકોને ફસાવવાનું નવું ઑનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. એક નાની એવી લિંક પર ક્લિક કરવાથી જ મોબાઈલ હેક થઈ શકે છે અને થોડી જ મિનિટોમાં બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાની શક્યતા રહે છે.

ડિસેમ્બરમાં સાયબર ફ્રોડથી 60 કરોડનું નુકસાન

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં સાયબર ઠગાઈના કારણે લોકો કુલ અંદાજે 121 કરોડ રૂપિયાની રકમ ગુમાવી બેઠા છે. જોકે સમયસર ફરિયાદ અને તાત્કાલિક કાર્યવાહી થવાના કારણે સાયબર સેલે આશરે 61 કરોડ રૂપિયા બચાવવામાં સફળતા મેળવી છે. તેમ છતાં હજુ પણ લગભગ 60 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે, જે રાજ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે.

વર્ષના અંતિમ દિવસોમાં ફ્રોડના પ્રયાસોમાં વધારો

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના અંતિમ દિવસોમાં સાયબર ઠગાઈના કેસોમાં ખાસ વધારો જોવા મળ્યો છે.28 ડિસેમ્બરે 1930 હેલ્પલાઈન પર 658 કોલ આવ્યા હતા, જેમાંથી કેટલાક કેસમાં ઝડપી કાર્યવાહી કરીને 1.57 કરોડ રૂપિયાનું ફ્રોડ થતાં પહેલાં જ રોકી લેવામાં આવ્યું હતું. તે જ રીતે 29 ડિસેમ્બરે 1115 કોલ નોંધાયા હતા, જેમાં લગભગ 10.54 કરોડ રૂપિયાની ઑનલાઈન ઠગાઈના પ્રયાસોમાંથી 85 ટકા રકમ એટલે કે 9.04 કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા હતા.એક અન્ય કિસ્સામાં તો 7.12 કરોડ રૂપિયાનું ફ્રોડ થવાનું જાણતાં જ તાત્કાલિક પગલાં લઈ લગભગ સમગ્ર રકમ પરત મેળવવામાં આવી હતી. આ ઘટનાઓ ‘ગોલ્ડન અવર’ની મહત્તા દર્શાવે છે, એટલે કે ફ્રોડ થયા બાદ તરત જાણ કરવી અત્યંત જરૂરી છે.

‘હેપ્પી ન્યૂ યર’ લિંક્સથી ખાસ સાવધાન રહેવા અપીલ

સાયબર સેલ દ્વારા 31 ડિસેમ્બર અને નવા વર્ષ 2026ના આગમનને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વોટ્સએપ પર ‘હેપ્પી ન્યૂ યર’ શુભેચ્છા સાથે આવતી ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ અથવા વીડિયો લિંકથી સાવધાન રહેવા જનતાને અપીલ કરવામાં આવી છે.
આવી લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલમાં વાયરસ પ્રવેશી શકે છે, જેના કારણે ફોન હેક થઈ જાય છે. હેકર્સ તમારા બેન્ક એકાઉન્ટની વિગતો, ઓટીપી, ગેલેરી, કોન્ટેક્ટ લિસ્ટ અને અન્ય ખાનગી માહિતી મેળવી શકે છે. ક્યારેક તો અજાણી પીડીએફ, પીપીટી કે અન્ય ફાઈલ ડાઉનલોડ કરાવવાની લાલચ પણ આપવામાં આવે છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

સરકારી વિભાગોના નામે પણ આવી શકે છે મેસેજ

ચિંતાજનક બાબત એ છે કે કેટલાક સ્કેમર્સ સરકારી વિભાગો, જાણીતી કંપનીઓ, નેતાઓ કે અધિકારીઓના નામે પણ આવી લિંક્સ મોકલે છે, જેથી લોકો વિશ્વાસમાં આવી જાય. આથી કોઈ પણ અજાણ્યા નંબર અથવા શંકાસ્પદ મેસેજમાંથી આવેલી લિંક ખોલતા પહેલાં સો વખત વિચારવું જરૂરી છે.

સાયબર ફ્રોડ થાય તો તરત 1930 પર સંપર્ક કરો

જો કોઈ પણ પ્રકારની ઑનલાઈન ઠગાઈ થાય તો વિલંબ કર્યા વગર તરત જ 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવાની સાયબર સેલે અપીલ કરી છે. સમયસર પગલું લેવાથી તમારી મહેનતની કમાણી બચાવી શકાય છે. નવા વર્ષની ખુશીઓ વચ્ચે ડિજિટલ સાવચેતી રાખીને જ સુરક્ષિત ઉજવણી શક્ય છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.