Amreli News : અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોની હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, રસ્તો ચક્કાજામ કર્યો

અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 7 દિવસથી કાયમી નોકરી સહિતની વિવિધ માંગણીઓને લઈને આ કામદારો હડતાળ પર છે.
પરિણામે લગભગ 150 સફાઈ કામદારો અને તેમના પરિવારોએ રાજુલા-સાવરકુંડલા માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે વાહન વ્યવહાર અટકી ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાઈ
રાજુલાના સફાઈ કામદારો પોતાની માગને લઈને અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠા છે. પાલિકા દ્વારા સફાઈ કામદારોની માગ સંતોષવામાં ન આવતા અંતે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
જીતુભાઈ ચંદુભાઈ બારૈયા સહિત 150 વિરુદ્ધ ગુનો નોંધાયો
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ, મોડી રાત્રે પોલીસે જીતુભાઈ ચંદુભાઈ બારૈયા સહિત 34 લોકોના નામ સાથે અન્ય 150 જેટલા અજાણ્યા લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
આ હડતાળને ધ્યાનમાં રાખીને, નગરપાલિકાએ સફાઈની કામગીરી બહારની એક એજન્સીને સોંપી દીધી છે. આંદોલનકારીઓએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ધરણા કર્યા હતા અને અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રસ્તા પર આવી ગયા હતા. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.



