Amreli : સાવરકુંડલામાં કિન્નરોને ₹2000 માંગવા ભારે પડ્યા! વેપારીએ ગુસ્સામાં હાથ ઉપાડ્યો, પછી સ્થાનિકોએ દોડાવી-દોડાવીને માર્યા!

સાવરકુંડલા શહેરમાં કિન્નરોના ત્રાસનો એક મોટો બનાવ સામે આવ્યો છે. શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક કિન્નરોના એક ટોળાએ એક વેપારી પાસે રૂપિયા 2000 ની આકરા પૈસાની માંગણી કરી હતી અને પૈસા ન આપવા બદલ તેની સાથે હાથચાલકી અને દુર્વ્યવહાર કર્યો હતો.
જોકે, અડધી કલાક સુધી ચાલેલા આ ત્રાસ બાદ વેપારીએ જ વળતો પ્રહાર કરતા કિન્નરોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
ભરૂચથી આવેલા ટોળાનો ત્રાસ
પ્રાપ્ત વિગતો મુજબ, આ કિન્નરોનું ટોળું ભરૂચથી સાવરકુંડલા આવ્યું હતું. તેમણે નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી એક દુકાનના વેપારીને નિશાન બનાવી ₹2,000ની માંગણી કરી હતી. વેપારીએ આ માંગણીનો ઇનકાર કરતાં, કિન્નરોના ટોળાએ દુકાનમાં જ હોબાળો મચાવ્યો હતો.
અડધી કલાક સુધી વેપારીને ત્રાસ આપ્યો
આ કિન્નરોએ અડધી કલાક સુધી વેપારીને ત્રાસ આપ્યો હતો અને તેમના કપડાં અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા. કિન્નરોની હાથચાલકી અને સતત ત્રાસથી આખરે વેપારીની સહનશીલતા તૂટી હતી. વેપારીએ ગુસ્સે થઈને કિન્નરોના ટોળાને જાતે જ ઢીબી નાખવાનું શરૂ કર્યું હતું.
સ્થાનિકોએ દોડાવી-દોડાવીને માર માર્યો
વેપારીએ કિન્નરોને મારવાનું શરૂ કરતાં જ આસપાસના અન્ય સ્થાનિક વેપારીઓ અને લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ વેપારીના સમર્થનમાં આવીને કિન્નરોના ટોળાને દોડાવી દોડાવીને માર માર્યો હતો. સ્થાનિકોના આક્રમક વલણને જોતા કિન્નરોનું ટોળું ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયું હતું.