આણંદ જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ ગામ નજીક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થતાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પીકઅપ વાન કોઈ તકનીકી ખામીના કારણે અચાનક રોડ પર બગડી ગઈ હતી. વાહનચાલક અને અન્ય લોકો હાઈવે પર જ પીકઅપ વાનનું સમારકામ કરી રહ્યા હતા. એ દરમિયાન વાસદ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રકનો ડ્રાઈવર સમયસર બ્રેક ન લગાવી શકતા સીધો પીકઅપ વાન સાથે અથડાયો હતો.
ટક્કર એટલી ભયાનક હતી કે તરત જ બ્લાસ્ટ થયો અને પીકઅપ વાન તથા ટ્રક બંનેમાં આગ ભભૂકી ઉઠી. થોડી જ મિનિટોમાં આગ વિકરાળ બની ગઈ અને બંને વાહનો આગની લપેટમાં આવી ગયા. આગની તીવ્રતાને કારણે વાહનોમાં ફસાયેલા બે લોકો બહાર નીકળી શક્યા નહોતા અને તેઓ જીવતા જ ભડથું થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતને કારણે વાસદ-બોરસદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસે મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. હાલ મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. અકસ્માત પાછળના ચોક્કસ કારણો, ટ્રકની ઝડપ અને સુરક્ષા નિયમોના પાલન અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Leave a Comment