બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય સામે ચાલી રહેલી હિંસા થંભવાનું નામ લેતી નથી. તાજી ઘટનામાં નરસિંગદી જિલ્લામાં કરિયાણાની દુકાન ચલાવતા હિંદુ વેપારી મોની ચક્રવર્તી પર ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં હિંદુ વ્યક્તિની હત્યાની આ બીજી ઘટના છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
અહેવાલો અનુસાર, સોમવાર રાત્રે લગભગ 10 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ મોની ચક્રવર્તી પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.
આ પહેલા 3 જાન્યુઆરીએ ખોકન ચંદ્ર દાસને નિર્દયતાથી કાપીને અને આગ લગાવીને મારી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત 24 ડિસેમ્બરે અમૃત મંડલને કથિત ઉઘરાણીના આરોપમાં માર મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે 18 ડિસેમ્બરે મૈમનસિંહમાં દીપૂ ચંદ્ર દાસને ઈશનિંદાના આરોપમાં ભીડ દ્વારા જીવતો સળગાવવામાં આવ્યો હતો.
આ હિંસાની શ્રેણીમાં 23 ડિસેમ્બરે ચટગાંવના રાઉજાન વિસ્તારમાં કતારમાં કામ કરતા પ્રવાસી મજૂરો શુખ શિલ અને અનિલ શિલના ઘરમાં પણ આગ લગાવવામાં આવી હતી, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકો સામે વધતી જતી આવી ઘટનાઓએ માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી છે.


Leave a Comment