ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મહુવા તાલુકાના અકવાડા વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવી એક યુવાન પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘારોડ ગૌશાળા પાસે રહેતા નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાના કાકાની દીકરીને અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ સતત ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે પરિવારમાં નારાજગી ફેલાઈ હતી. મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે યુવતીના મોટાભાઈ દ્વારા અલ્પેશ સોલંકીને સમાધાન માટે તેમના ઘરે બોલાવવામાં આવ્યો હતો.
આ સમાધાન બેઠક માટે નિતેશભાઈ ચુડાસમા તેમના મિત્ર દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ સાથે અકવાડા ગયા હતા. શરૂઆતમાં વાતચીત શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ અચાનક પરિસ્થિતિ વણસી ગઈ. સમાધાનના સ્થળે બે કારમાં કેટલાક અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને અચાનક છરી વડે હુમલો શરૂ કર્યો હતો.
આ હુમલામાં દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણને નિશાન બનાવી આરોપીઓએ ત્રણથી ચાર છરીના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશભાઈ લોહીથી લથબથ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હાજર લોકોએ તાત્કાલિક તેમને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત બગડતી જતાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધાવી આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, વાહનોની માહિતી અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ ચાલી રહી છે.
સમાધાનના બહાને બોલાવીને કરાયેલી આ હત્યાની ઘટનાએ ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય વિવાદ જીવલેણ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Leave a Comment