ચીનની વાયરલ થઈ રહેલી ‘Are You Dead’ નામની એપ હવે માત્ર એક અજીબ ટ્રેન્ડ નહીં, પરંતુ એક સફળ સ્ટાર્ટઅપ મોડલ બની રહી છે. થોડા દિવસો પહેલાં સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી આ એપ આજે કરોડોની વેલ્યુએશન સાથે બિઝનેસ જગતમાં પ્રવેશી ચૂકી છે.
રિપોર્ટ્સ મુજબ, ત્રણ યુવા ડેવલોપર્સે આ એપને માત્ર 1000 યૂઆન (અંદાજે ₹13 હજાર) જેટલા ખર્ચે તૈયાર કરી હતી. જોકે, તેની અનોખી વિચારધારા અને સરળ ઉપયોગને કારણે આજે તેની અંદાજિત વેલ્યુએશન 1 કરોડ યૂઆન એટલે કે લગભગ ₹13 કરોડ સુધી પહોંચી ગઈ છે.
એપનો મુખ્ય કૉન્સેપ્ટ અત્યંત સરળ છે. યૂઝરને દર 24થી 48 કલાકમાં માત્ર એક ચેક-ઇન બટન દબાવવાનું હોય છે – “I Am Ok” અથવા “I Am Alive”. જો બે દિવસ સુધી ચેક-ઇન ન થાય, તો એપ આપમેળે પસંદ કરેલા ઇમરજન્સી કોન્ટેક્ટને ઇમેલ અલર્ટ મોકલે છે. ખાસ વાત એ છે કે, આ એપ લોકેશન ટ્રેક કરતી નથી અને કોઈ જટિલ પરમિશનની જરૂર નથી.
શરૂઆતમાં આ એપ ફ્રી અથવા ખૂબ ઓછી કિંમતમાં ઉપલબ્ધ હતી, પરંતુ વધતા યૂઝર્સ અને સર્વર ખર્ચને કારણે હવે તેને પેઈડ મોડલમાં ફેરવવામાં આવી છે. હાલ એપની કિંમત આશરે 8 યૂઆન (₹100) રાખવામાં આવી છે, જે માઇક્રો-પેમેન્ટ સ્ટ્રેટેજીનો ઉત્તમ ઉદાહરણ ગણાય છે.
વાયરલ નામને લઈને ઊભી થયેલી ચર્ચા અને વિવાદ બાદ હવે ડેવલોપર્સ એપને આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ‘Demumu’ નામથી રિબ્રાન્ડ કરવાની તૈયારીમાં છે. હેતુ સ્પષ્ટ છે – શોક વેલ્યુથી આગળ વધી ને એક વિશ્વસનીય અને ઉપયોગી સેફ્ટી પ્રોડક્ટ બનવું.
વિશેષજ્ઞો માને છે કે ચીનમાં વધી રહેલી એકલતા, મોટા શહેરોમાં એકલા રહેતા યુવાનો અને વૃદ્ધોની સંખ્યાએ આ એપને ઝડપથી લોકપ્રિય બનાવી છે. આજે આ એપ ચીનના પેઈડ એપ ચાર્ટ્સમાં ટોચ પર છે અને અન્ય દેશોમાં પણ ધીમે ધીમે પોતાની હાજરી નોંધાવી રહી છે.


Leave a Comment