Army jawan : અમરેલીના વીર જવાન કાશ્મીરમાં ફરજ બજાવતા વીરગતિ પામ્યા, આવતી કાલે અંતિમ સંસ્કાર

લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ગુરુવારે (18 સપ્ટેમ્બર) કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયા હતા. રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણો અર્પણ કરનાર આ વીર જવાનના નિધનથી ધામેલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સેનાના લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય
માહિતી મુજબ, મેહુલભાઈ સરહદે પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના શહીદીના સમાચાર મળતા જ ધામેલ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
શહીદ જવાનનો પાર્થિવ દેહ શુક્રવારે સત્તાવાર રીતે ધામેલ ગામ તરફ રવાના કરવામાં આવ્યો હતો, જે શનિવારે મોડી રાત્રે પહોંચવાનો છે. સેનાના લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. શનિવારે સવારે 8 વાગ્યે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મેહુલભાઈ ભુવા તેમના માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ ધામેલની ઉત્તર બુનિયાદી શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. તેમના શહીદીના સમાચાર સાંભળતાં જ મિત્રો, શિક્ષકો અને ગામ લોકો ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.
આ દુઃખદ ઘટના વચ્ચે, મેહુલભાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કાશ્મીરના બરફ પર ‘જય ઠાકર’ લખતા જોવા મળે છે. આ દ્રશ્ય તેમના દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને વ્યક્ત કરે છે. વીડિયોએ લોકોને ભાવુક બનાવી દીધા છે અને સૌ કોઈ શહીદ જવાનને સલામ કરી રહ્યા છે.