ગુવાહાટી | રમતજગત સમાચાર : ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. આસામ ક્રિકેટ એસોસિયેશન (ACA)એ ભ્રષ્ટાચારના આરોપસર ચાર ક્રિકેટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ACAના સચિવ સનાતન દાસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરાયેલા ખેલાડીઓમાં અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરીનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ તમામ ખેલાડીઓ ક્રિકેટમાં ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલો 2025ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે જોડાયેલો છે. આરોપ છે કે, આ ચારેય ખેલાડીઓએ આસામના કેટલાક ક્રિકેટરોને મેચ ફિક્સ કરવા માટે પ્રલોભન આપવાનો અને દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નોંધનીય બાબત એ છે કે આ ચારેય ખેલાડીઓ ટૂર્નામેન્ટ દરમિયાન આસામની મુખ્ય ટીમનો ભાગ નહોતા.
ગંભીર આરોપોને ધ્યાનમાં રાખી ACAએ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં ચારેય ખેલાડીઓ સામે FIR દાખલ કરાવી છે. ACAના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ક્રિકેટમાં ભ્રષ્ટાચાર કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
આ કેસની ગંભીરતા જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની એન્ટી-કરપ્શન યુનિટ (ACU) પણ સક્રિય થઈ છે. ACU દ્વારા સ્થાનિક ક્રિકેટમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવા અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટાર ખેલાડી રિયાન પરાગ ટીમમાં હોવા છતાં આસામનું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ સાત મેચમાંથી માત્ર ત્રણ જીત સાથે એલીટ ગ્રુપ Aમાં સાતમા સ્થાને રહી હતી.


Leave a Comment