Assam train accident : આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારની વહેલી સવારે એક ગંભીર અને હ્રદયદ્રાવક રેલ અકસ્માત થયો હતો. સાયરાંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જામુનામુખ–કામપુર રેલ વિભાગમાં જંગલી હાથીઓના ઝુંડ સાથે અથડાઈ ગઈ, જેના પરિણામે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું મુજબ આ દુર્ઘટનામાં કુલ 8 હાથીઓના મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને ઇજા પહોંચી નથી.
- ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં જ રેલવે વિભાગ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉત્તરપૂર્વ સીમા રેલવે દ્વારા બચાવ અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા આગળની મુસાફરી કરાવવામાં આવી રહી છે.
- ગુવાહાટીથી 126 કિ.મી. દૂર અકસ્માત
આ રેલ અકસ્માત આસામના હોજાઈ જિલ્લામાં થયો હતો, જે ગુવાહાટીથી અંદાજે 126 કિલોમીટર દૂર આવેલો છે. પાટા પર હાથીઓના મૃતદેહ અને ઉતરેલા ડબ્બાઓ હોવાના કારણે ઉપરલા આસામ તથા સમગ્ર ઉત્તરપૂર્વ ભારતની રેલ સેવાઓ ભારે અસરગ્રસ્ત થઈ છે.
- મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા
મળતી માહિતી અનુસાર, અસરગ્રસ્ત ડબ્બાના મુસાફરોને ટ્રેનના અન્ય ડબ્બાઓમાં ખાલી બર્થ પર અસ્થાયી રીતે બેસાડવામાં આવશે. ટ્રેન ગુવાહાટી પહોંચ્યા બાદ તેમાં વધારાના ડબ્બા જોડવામાં આવશે, જેથી તમામ મુસાફરોને સુવિધા મળી શકે અને ત્યારબાદ ટ્રેન આગળની મુસાફરી ફરી શરૂ કરશે.


Leave a Comment