Banaskantha News : બનાસકાંઠામાં ઓનર કિલિંગ! પિતા અને કાકાએ જ કરી દીકરીની હત્યા

Tharad owner killing: થરાદ તાલુકાના દાંતિયા ગામની એક યુવતી પ્રેમ સંબંધને પગલે એક યુવક સાથે મૈત્રી કરાર કરીને જીવન પસાર કરવા લાગી હતી. પરંતુ યુવતીના પરિવારજનોને આ સંબંધ સ્વીકાર્ય ન રહ્યો.
આરોપ છે કે યુવતીના પિતા અને કાકાએ પ્રથમ તો જમવામાં ઊંઘની ગોળીઓ આપીને તેને બેભાન બનાવી અને ત્યારબાદ તેની ગળે ટૂંપો લગાવી હત્યા કરી હતી. આ ઘટનાને આપઘાતનું રૂપ આપી, કોઈને જાણ કર્યા વગર તરત જ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
જોકે યુવતીના પ્રેમી દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલા હેબિયસ કોર્પસ કેસના પગલે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. ત્યારબાદ થરાદ પોલીસે પિતા અને કાકા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
“મારા બીજે લગ્ન કરાવી દેશે” – યુવતીના સંદેશાઓ ખુલાસો કરે છે
ફરિયાદ મુજબ, દાંતિયાની યુવતી પાલનપુરમાં રહીને NEETની તૈયારી કરતી હતી, જ્યાં તેની મિત્રતા વડગામડા ગામના યુવક સાથે થઈ હતી. સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ ઊભો થયો.
જોકે, યુવતીના પરિવારજનોએ ભણતર બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ યુવકને મોકલેલા મેસેજમાં લખ્યું હતું, ‘મારા ઘરે હવે મને ભણવા નથી દેતા, અને જો પ્રેમ સંબંધની વાત જાણ થશે તો મારા બીજે લગ્ન કરાવી દેશે. મારો મોબાઈલ પણ લઈ લેશે. તું મને અહીંથી લઈ જા.’
મૈત્રી કરાર અને સફર
4 જૂન, 2025ના રોજ યુવતી ઘરમાંથી નીકળી યુવક સાથે અમદાવાદ ગઈ હતી, જ્યાં બંનેએ મૈત્રી કરાર કરી સાથે રહેવાનું નક્કી કર્યું. ત્યારબાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો પ્રવાસ કર્યો. પણ એટલામાં પરિવારજનો દ્વારા યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવતાં 12 જૂને થરાદ પોલીસે બંનેને રાજસ્થાનથી પકડ્યા હતા. યુવતીને પરિવારજનો સાથે મોકલી દેવામાં આવી અને યુવકની અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
મેસેજ ચેક કરતાં ખુલ્યો નવો તાત
21 જૂને યુવકને જામીન મળ્યા પછી, જેલમાંથી બહાર આવી તે સીધો ફોન ચેક કરતા યુવતીના અનેક મેસેજ અને મિસ્ડ કોલ મળ્યા. જેમાં લખાયું હતું, ‘પોલીસવાળાઓએ મારી સાથે દગો કર્યો છે, તું આવીને મને લઈ જા. નહીં તો મારા પરિવારવાળા બળજબરીથી લગ્ન કરાવી દેશે. જો હું ના પાડી તો મારી મારી નાંખશે. તું મને બચાવી લે પ્લીઝ…’
હેબિયસ કોર્પસથી બહાર આવી હત્યા પાછળનો શંકાસ્પદ પરિઘ
યુવતીના આ મેસેજના આધારે યુવકે 23 જૂને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. હવે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે યુવતીના પિતા અને કાકાએ મળીને આ હત્યા આચરી હતી અને તેને આપઘાતનું સ્વરૂપ આપ્યું હતું. પોલીસ હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.