Banaskantha News: સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાનો આપઘાત પ્રયાસ, સુસાઈડ નોટમાં ભાણેજ સહિત 6 સામે ગંભીર આક્ષેપ

by

Thenewsdk

Updated: 06-01-2026, 05.57 AM

Follow us:

બનાસકાંઠા જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડી.ડી. પંડ્યાના આપઘાત પ્રયાસથી સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે મોડી રાત્રે પોતાના વતન વજગેઢ (તા. થરાદ) ખાતે તેમણે ઝેરી દવા ગટગટાવી આત્યંતિક પગલું ભર્યું હતું. હાલ તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આપઘાત પહેલા મામલતદારે એક હૃદયદ્રાવક વીડિયો અને વિગતવાર સુસાઈડ નોટ તૈયાર કરી હતી. તેમાં તેમણે પોતાના સગા ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા સહિત કુલ છ લોકોની ગેંગ પર છેલ્લા ચાર વર્ષથી માનસિક ત્રાસ, ખોટી અરજીઓ અને ખંડણીના ગંભીર આક્ષેપો કર્યા છે. મામલતદારના જણાવ્યા મુજબ, તેમની સામે 8થી 10 ખોટી ફરિયાદો કરવામાં આવી હતી.

વીડિયોમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપીઓએ કોઈ યુવતી સાથેના એડિટેડ ફોટા બતાવી બદનામ કરવાની અને ACBમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ફોટા વાયરલ ન કરવા બદલ ₹20થી ₹25 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનું જણાવાયું છે.

સુસાઈડ નોટ અનુસાર, આ કાવતરામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક અશારામ વાઘેલાની પણ સંડોવણી હોવાનું જણાવાયું છે. આરોપ છે કે કિશન પંડ્યાના કહેવાથી તુલસી ગોહિલ, અનિલ પ્રજાપતિ, માનસિંગ દરજી અને તેની પુત્રી સોનલ દ્વારા તેમને ફસાવવાની યોજના ઘડાઈ હતી. રવિવારે સાંજે વોટ્સએપ કોલ કરીને પૈસા નહીં આપો તો જીવતા નહીં છોડવાની ધમકી પણ અપાઈ હતી.

મામલતદારે વાવ પોલીસનો સંપર્ક કર્યો હોવાનો ઉલ્લેખ પણ વીડિયોમાં કર્યો છે, પરંતુ પૂરતી મદદ ન મળ્યાની વ્યથા વ્યક્ત કરી છે. સુસાઈડ નોટના અંતે તેમણે લખ્યું છે કે, “હું માનસિક રીતે સંપૂર્ણ થાકી ગયો છું, આ ગેંગ સામે કડક કાર્યવાહી કરજો.”

મામલતદારના પુત્ર રોહિત પંડ્યાએ જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી તેમના પિતાને સતત ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. થરાદ પોલીસ તથા વહીવટી અધિકારીઓ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને કાનૂની કાર્યવાહી આગળ ધપાવી રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.