Banaskantha Palanpur ITI College News: બનાસકાંઠાના પાલનપુર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) કોલેજમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એટીએન ટ્રેડમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓને એક શિક્ષક પટ્ટા વડે નિર્દયતાથી ફટકારી રહ્યા છે. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીઓને ગેરહાજરી બાબતે પ્રશ્નો પૂછતા સંભળાય છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી ક્લાસમાં હાજર ન રહેવા બદલ તેમને સજા કરવામાં આવી હતી. જોકે, કેટલાક અહેવાલો મુજબ પુસ્તક ચોરીની શંકા પણ કારણ હોઈ શકે છે.
આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠન ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ABVPના કાર્યકર્તાઓએ કોલેજ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી જવાબદાર શિક્ષક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને ચીમકી ઉચ્ચારી છે કે જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
આ મામલે ITI કોલેજના આચાર્ય અલ્પેશ પટેલે જણાવ્યું કે, સંસ્થામાં ફરિયાદ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે અને શિક્ષક દ્વારા તાલીમાર્થીઓ પર હાથ ઉપાડવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનાની માહિતી વડી કચેરીને મોકલવામાં આવશે અને તેમના આદેશ મુજબ જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં આ કેસમાં અધિકૃત તપાસના પરિણામ અને શિક્ષક સામે લેવાતા પગલાં અંગે સૌની નજર ટકેલી છે.


Leave a Comment