બગોદરા-બાવળા નેશનલ હાઈવે પર આજે ગુરુવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. મોગલધામ નજીક યાત્રિકોથી ભરેલી ઈકો કાર અચાનક પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું છે, જ્યારે અન્ય છ યાત્રિકોને ગંભીર ઈજા પહોંચી છે.
- કઈ રીતે થયો અકસ્માત?
માહિતી મુજબ, ઈકો કારમાં ચોટીલાથી દર્શન કરીને સાબરકાંઠા તરફ પરત ફરી રહેલા યાત્રિકો સવાર હતા. રસ્તામાં મોગલધામ નજીક કાર ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટતા વાહન રસ્તા પરથી ઉતરી ગયું અને અનેક વાર પલટી ખાધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર આશરે 50 મીટર જેટલા અંતરે ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર એકાએક ટ્રાફિક જ્યાં થઈ ગયો હતો.
- તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવી
આસપાસ પસાર થતા વાહન ચાલકો તરત જ અકસ્માતગ્રસ્તોને મદદ માટે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ બગોદરા અને બાવળાની 108 એમ્બ્યુલન્સની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સૌપ્રથમ બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઘાયલોના ઈજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
- અકસ્માતનું ચોક્કસ કારણ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તારણો મુજબ, વાહનની ઝડપ વધુ હોવાને કારણે ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છૂટ્યું હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તંત્રનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સુધારી અને અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી હાઈવે પરનો ટ્રાફિક ફરી શરૂ કર્યો હતો.
- અકસ્માતની વિગતવાર તપાસ શરૂ
સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે. ચોટીલા દર્શન પછી આનંદપૂર્વક ઘરે પરત ફરતા યાત્રિકો માટે આ મુસાફરી દુઃખદ અંત લઈને આવી. પોલીસ હવે અકસ્માતની વિગતવાર તપાસ કરી રહી છે, જેમાં વાહનની ટેકનિકલ ખામીઓ, ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ તથા સાક્ષીઓના નિવેદનો આધારે વધુ માહિતી એકત્રિત કરાશે.



Leave a Comment