Banaskantha News: ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામમાં રવિવારે સાંજે દૂધ ભરાવાના મુદ્દે સર્જાયેલી બોલાચાલી બાદ હુમલો થવાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી દીધી છે. પશુપાલક સતીષભાઈ દેસાઈ રોજની જેમ ડેરી પર દૂધ ભરાવવા ગયા હતા અને ટેસ્ટરમાં કાંટો ઝીરો કરવા કહ્યું હતું. પરંતુ આ નાની બાબતે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મારામારી સુધી પહોંચ્યો હતો.
મળી રહેલી માહિતી મુજબ, ડેરી પર હાજર કિરણભાઈ દેસાઈએ કાંટો ઝીરો ન થાય તેવું કહી સતીષભાઈ સાથે તીવ્ર બોલાચાલી શરૂ કરી હતી. આ દરમ્યાન કિરણભાઈએ સતીષભાઈને અપશબ્દો પણ બોલ્યા હતા.
વિવાદ વધતા ધવલભાઈ દેસાઈ જે કિરણભાઈના ફઈના દિકરા હોવાનું જાણવા મળે છે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમણે પણ ઝગડો કરતા સતીષભાઈને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગંભીર બનતા મામલે સતીષભાઈ દેસાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસ વિભાગે ધમકી, અપશબ્દો અને હુમલા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગામમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક સ્તરે તણાવની લાગણી સર્જાઈ છે, પરંતુ પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવાતાં પરિસ્થિતિ કાબૂમાં છે.



Leave a Comment