Bardoli Fire Incident, Gujarat: રાજ્યમાં આગ લાગવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. બારડોલી વિસ્તારમાં આવેલા 11થી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રી સંગ્રહિત હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા લગભગ 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. સ્થિતિ ગંભીર બનતા પ્રાંત અધિકારીએ તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15થી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્લાસ્ટિકના સામાનને કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી હતી. સાથે જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી. આસપાસના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સદ્ભાગ્યે, આ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, ભંગારના ગોડાઉનમાં સંગ્રહિત જ્વલનશીલ સામગ્રીને કારણે આગની તીવ્રતા વધુ વધી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ સુરતના ઉમરા-વેલંજા રોડ પર રંગોલી ચોકડી નજીક આવેલા ગોડાઉન અને દુકાનોમાં આવી જ ભીષણ આગની ઘટના બની હતી, જેમાં આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી હતી.


Leave a Comment