આપણી રોજિંદી કેટલીક આદતો મગજને સમય પહેલાં જ વયસ્ક બનાવી દે છે. ચાલો જાણીએ તે 11 કારણો વિશે જે તમારા મગજને નુકસાન પહોંચાડી રહી છે અને સાથે જ કેવી રીતે આ જોખમને ઓછું કરી શકાય તે પણ જાણીએ.
વિચારશક્તિ ઓછી કરતી 11 આદતો
- ઉંઘની કમી: જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ, ત્યારે મગજ અંદર જમા થયેલા કચરાને ‘સાફ’ કરે છે. ખરાબ ઊંઘથી મગજનો આકાર ઝડપથી ઘટવા લાગે છે અને યાદશક્તિ નબળી પડી શકે છે.
- તણાવ: લાંબા સમય સુધી તણાવમાં રહેતા શરીરમાં કોર્ટીસોલનું સ્તર વધે છે. તે મગજના એ ભાગને નુકસાન પહોંચાડે છે જે યાદશક્તિ માટે સૌથી જરૂરી છે.
- મેદસ્વિતા: સંશોધનો દર્શાવે છે કે જાડાપણાથી મગજનું વોલ્યુમ ઓછું થઈ શકે છે અને તે ઝડપી વૃદ્ધ થાય છે, ખાસ કરીને મગજના આગળના ભાગમાં તે વધારે અસર કરે છે.
- ડાયાબિટીસ: જો ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય, તો તે બ્રેનની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આથી મગજ સંકોચન, સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
- શારીરિક નિષ્ક્રિયતા: દિવસભર બેઠા રહેવું અને સક્રિય ન રહેવું મગજમાં લોહીના પ્રવાહને ઓછું કરે છે. તેનાથી વિરુદ્ધ, નિયમિત વ્યાયામ મગજના હિપ્પોકેમ્પસના આકારને વધારવા માટે મદદરૂપ થાય છે.
- સાંભળવાની ક્ષમતામાં ઘટાડો: જો તમારી સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને તેની સારવાર ન કરાવો, તો તે ડિમેન્શિયાનું મુખ્ય કારણ બની શકે છે. સાંભળવાની ક્ષમતામાં ઘટાડો મગજના તે ભાગોને પ્રતિકૂળ અસર કરે છે જે અવાજને પ્રોસેસ કરવા અને સમજવા માટે જવાબદાર છે.
- નબળી દ્રષ્ટિ: જેમ જેમ દ્રષ્ટિ બગડે છે, તેમ તેમ વ્યક્તિ બહારની દુનિયાથી અલગ થવા લાગે છે. પરિણામે, મગજને ઓછી ઉત્તેજના મળે છે, જેના કારણે જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં ઘટાડો થઈ શકે છે.
- એકલતા: લાંબા સમય સુધી એકલા રહેવાથી અથવા સામાજિક રીતે અલગ રહેવાથી ડિમેન્શિયાનું જોખમ વધે છે અને મગજની રચનામાં નકારાત્મક ફેરફારો થાય છે.
- વિટામિનની ઉણપ: શરીરમાં વિટામિન B12ની ઉણપ આપણી ચેતાને નુકસાન પહોંચાડી શકે છે. જો તેને દૂર ન કરવામાં આવે તો મગજ સંકોચાઈ શકે છે અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ નબળી પડી શકે છે.
- દારૂનું સેવન: વધુ પડતા દારૂના સેવનથી મગજના કદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, ખાસ કરીને આગળના લોબ્સ અને સેરેબેલમમાં વધારે અસર થઈ શકે છે.
- ધુમ્રપાન: સિગારેટનું સેવન રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે મગજ અકાળે વૃદ્ધ થઈ જાય છે.
તમારા મગજને સંકોચાતું કેવી રીતે અટકાવવું?
ડૉક્ટર અનુસાર, જીવનશૈલીમાં કેટલાક સરળ બદલાવથી તમે તમારા મગજને સ્વસ્થ રાખી શકો છો:
- સારી ઊંઘ લો: તમારા મગજને પોતાને રિપેર કરવાનો પૂરતો સમય આપો.
- નિયમિત વ્યાયામ કરો: શારીરિક રીતે સક્રિય રહો.
- સ્વસ્થ આહાર લો: પોષણયુક્ત ખોરાકનું સેવન કરો.
- સામાજિક જોડાણ રાખો: લોકો સાથે ભળો અને એકલતા દૂર કરો.
- તણાવ પર નિયંત્રણ રાખો: મનને શાંત રાખો.
- આરોગ્ય પર નજર રાખો: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ હંમેશા નિયંત્રણમાં રાખો.


Leave a Comment