મારું ગુજરાત

Ambaji : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ: 30 લાખથી વધુ ભક્તો ઉમટવાની સંભાવના

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજથી (1 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે. 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરે તેવી શક્યતા છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે સાંજે 5 વાગ્યા પછી દર્શન બંધ રહેશે.

ભક્તો માટે વિશેષ સુવિધાઓ
યાત્રાળુઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ લગાવવામાં આવી છે અને લાઈનમાં ઊભેલા ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગો, વ્હીલચેરનો ઉપયોગ કરતા ભક્તો અને સિનિયર સિટીઝન્સ માટે વિશેષ લાઈનની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત, વ્હીલચેર અને ઈ-રિક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા
આ વર્ષે, 4 અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 1200 બેડની સુવિધા છે. આ ડોમ્સમાં શૌચાલય, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગ, અને સામાન રાખવા જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

ડ્રોન લાઇટ શો મુખ્ય આકર્ષણ
આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ભવ્ય ડ્રોન લાઇટ શો છે. જેમાં 400 ડ્રોન દ્વારા આકાશમાં માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ, અને શક્તિના પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ પ્રદર્શિત કરાશે.

ઓનલાઈન પાર્કિંગ અને ભોજનની સુવિધા
ભક્તોની સુવિધા માટે, 1 લાખ 83 હજાર ચોરસ મીટરથી વધુના વિસ્તારમાં 35 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે, જેમાં 22,541થી વધુ વાહનો પાર્ક કરી શકાય છે. શ્રદ્ધાળુઓ Show My Parking એપ દ્વારા ઘરે બેઠા જ પાર્કિંગ બુક કરાવી શકે છે. પાર્કિંગથી મંદિર સુધી જવા-આવવા માટે મફત મીની બસ સેવા પણ ઉપલબ્ધ છે.

કુલ 28 પ્રસાદ કેન્દ્રો કાર્યરત રહેશે
મેળા દરમિયાન કુલ 28 પ્રસાદ કેન્દ્રો કાર્યરત રહેશે, જ્યાં 30 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તો માટે 4 સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
મેળામાં 5000 જવાનો સાથે ત્રણ સ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મેળાનું 332 થી વધુ CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

દર્શનનો સમય:
સવારે: 6 થી 11.30
બપોરે: 12.30 થી સાંજે 5
સાંજે: 5 થી રાત્રે 12
આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. સવારે 11.30 થી 12.30 અને રાત્રે 12 થી સવારે 6 સુધી દર્શન બંધ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button