હાસ્ય કલાકાર ભારતી સિંહના ઘરમાં ફરી એકવાર ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે. 41 વર્ષની ઉંમરે ભારતીએ બીજી વખત માતૃત્વનો આનંદ લીધો છે. 19 ડિસેમ્બરે ભારતી સિંહે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો, જેને લઈને પરિવાર, ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી અભિનંદનોની વરસાદ થઈ રહી છે.
રસપ્રદ વાત એ છે કે ભારતીએ જે દિવસે બાળકને જન્મ આપ્યો તે દિવસે તે લાફ્ટર શેફ સીઝન 3 માટે શૂટિંગ કરવાની હતી. પરંતુ સવારે અચાનક પાણીની થેલી ફાટી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો.
ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ 2017માં લગ્ન કર્યા હતા. આ દંપતીને પહેલો પુત્ર 2022માં થયો હતો, જેનું નામ લક્ષ્ય (ગોલા) છે. બીજા બાળકને લઈને ભારતી અનેક વખત ખુલ્લેઆમ વાત કરી ચૂકી હતી. તેણે ઇન્ટરવ્યૂ અને વ્લોગમાં પુત્રીની ઈચ્છા વ્યક્ત કરી હતી, જોકે આ વખતે પણ તેમના ઘરમાં પુત્રનું આગમન થયું છે.
ગર્ભાવસ્થાના અંતિમ સમય સુધી ભારતી સક્રિય રહી હતી. તે શૂટિંગ, વ્લોગિંગ અને કામમાં સતત વ્યસ્ત રહી, જેના કારણે ચાહકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા હતા. તાજેતરમાં કરાવેલા મેટરનિટી શૂટમાં પણ તેનો બેબી બમ્પ સ્પષ્ટ નજરે પડતો હતો.
ભારે બેબી બમ્પને કારણે જોડિયા બાળકો અંગેની અફવાઓ પણ ફેલાઈ હતી, જેને ભારતીએ હાસ્યસભર અંદાજમાં નકારી કાઢી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતી જોડિયા નહીં પરંતુ એક પુત્રની માતા બની છે.
હાલ ચાહકો ભારતીના નાના રાજકુમારની પહેલી ઝલક જોવા આતુર બની ગયા છે.


Leave a Comment