Bhuj College : કોલેજની વિદ્યાર્થીનીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા!

કચ્છમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસક પ્રવૃત્તિઓ વચ્ચે ભુજમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંસ્કાર કોલેજમાં BCAનો અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી ખાનીયા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી સાક્ષીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ગળા પર મારી છરી
ગાંધીધામની મૂળ રહેવાસી અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી સાક્ષી સંસ્કાર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગુરુવાર સાંજે લગભગ છ વાગ્યાના સમયે તે કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે કોલેજના ગેટ બહાર આ બનાવ બન્યો.
આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા, જે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહે છે, બાઈક પર પોતાના મિત્ર 22 વર્ષીય જયેશ ઠાકોર સાથે આવ્યો હતો. વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી અને સાક્ષીના ગળાના ભાગે ઘા મારી દીધો હતો.
સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત
આ હુમલા દરમિયાન તેની સાથે આવેલા જયેશ ઠાકોરને પણ છરી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાના તરત બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની અને યુવકને સ્થાનિકોએ તરત જ ભુજની JK જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સાક્ષીની સ્થિતિ ગંભીર હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી લીધો હતો. પોલીસે તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ બનાવ બાદ ભુજ શહેરમાં ભારે ચકચાર મચી છે.