ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, પરંતુ બાંગ્લાદેશ પોતાની મેચો ક્યાં રમશે તે મુદ્દો ટૂર્નામેન્ટ પહેલાં જ મોટો વિવાદ બની ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સુરક્ષા અને રાજકીય કારણો દર્શાવી ભારતમાંથી પોતાની તમામ મેચો હટાવી શ્રીલંકામાં યોજવાની માંગ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) છેલ્લી ઘડીએ વેન્યુ બદલવા તૈયાર નથી.
આ મુદ્દે ICC અને BCB વચ્ચે ખેંચતાણ સતત વધી રહી છે. BCBએ છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ICCને અનેક પત્રો લખી વિનંતી કરી છે કે, બાંગ્લાદેશની ગ્રુપ મેચો ભારત બહાર યોજવામાં આવે. જોકે ICCનું માનવું છે કે ટૂર્નામેન્ટ નજીક હોવાથી વેન્યુ બદલવાથી બ્રોડકાસ્ટિંગ, ટિકિટિંગ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક આયોજન પર ગંભીર અસર પડશે.
રિપોર્ટ મુજબ ICCએ શ્રીલંકાને વિકલ્પ તરીકે હાલ પ્રાથમિકતા આપી નથી, પરંતુ BCCI સાથે મળીને ભારતની અંદર જ વિકલ્પિક શહેરો પર વિચારણા શરૂ કરી છે. ચેન્નાઈ અને તિરુવનંતપુરમને બેકઅપ વેન્યુ તરીકે જોવામાં આવી રહ્યા છે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ પહેલેથી જ વર્લ્ડ કપ મેચોનું આયોજન કરી રહ્યું છે અને વધારાની મેચો માટે પણ તૈયાર હોવાનું TNCAએ જણાવ્યું છે.
વિવાદ વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે BCCIએ IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને રિલીઝ કરવાનો આદેશ આપ્યો. આ પછી બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો, જે 2008 બાદ પ્રથમ વખત થયું છે. આ પગલાને કારણે મામલો ફક્ત ક્રિકેટ પૂરતો નહીં પરંતુ રાજકીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વચ્ચે પાકિસ્તાન તરફથી પણ દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારત અને શ્રીલંકા વેન્યુ તરીકે સ્વીકાર્ય ન હોય તો પાકિસ્તાન બાંગ્લાદેશની મેચો આયોજિત કરવા તૈયાર છે, પરંતુ ICCએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
હાલના શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની મેચો કોલકાતા અને મુંબઈમાં યોજાવાની છે, પરંતુ બદલાતી પરિસ્થિતિઓને કારણે આ કાર્યક્રમ પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. ICC તરફથી BCBને સત્તાવાર જવાબ 12 જાન્યુઆરી સુધી આપવામાં આવી શકે છે.
ક્રિકેટની ચર્ચા કરતાં હવે વેન્યુ, સુરક્ષા અને રાજકીય તણાવ ટૂર્નામેન્ટના કેન્દ્રમાં આવી ગયા છે, જેના કારણે આ ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ કરતાં વધુ વિવાદો માટે યાદ રાખવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Leave a Comment