
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલ પૌંસરી ગામમાં વાદળ ફાટ્યાને કારણે ભયાનક તબાહી સર્જાઈ છે. શુક્રવારની (29 ઓગસ્ટ) મોડી રાત્રે બનેલી આ આપત્તિમાં અનેક ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો હતો,
જેના કારણે ઘરોને ભારે નુકસાન પહોંચ્યું. આ સાથે જ 50થી વધુ પશુઓ વહેતા પાણીમાં તણાઈ ગયા અને આશરે અડધાથી વધુ ખેતીવાડી જમીનને પણ નુકસાન થયું.
આ પરિસ્થિતિની જાણકારી મેળવવા કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી પહોંચવા તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
પૌંસરીમાં વાદળ ફાટવાથી ભારે જાનહાનિ અને નુકસાન
પ્રાપ્ત વિગતો મુજબ, વાદળ ફાટ્યા પછી પાણી અને કાટમાળ ગામના અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા. આ પ્રકોપમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો હજુ સુધી લાપતા છે.
આ દરમિયાન ધારાસભ્ય સુરેશ ગઢિયા આફતગ્રસ્ત વિસ્તારમાં નુકસાનની હકીકત જાણવા પહોંચ્યા હતા. તેમને વરસાદી પાણીના પ્રચંડ વહેણમાંથી પસાર થવું પડ્યું હતું.
SDRFની મદદ દરમિયાન દુર્ઘટના
વહેણ એટલો જોરદાર હતો કે SDRFની ટીમે દોરડાની મદદથી ધારાસભ્યને પાર કરાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેમનો સિક્યોરિટી ગાર્ડ તેમને પકડવા આગળ વધ્યો, પરંતુ તેનો પગ લપસી જતાં તે પાણીના ઘોર પ્રવાહમાં વહી ગયો. સ્થાનિક લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં પાણીના જોર સામે કોઈ કાબૂ મેળવી શક્યું નહીં.