Nora Fatehi song : હાલ ઇન્ટરનેટ પર એક ગીતને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. કન્નડ ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’ નું ગીત ‘સરકે ચૂનર તેરી સરકે’ ચર્ચામાં છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર અભિનીત આ ગીત તેની અશ્લીલતા અને વલ્ગારિટી માટે ટ્રોલ થઈ રહ્યું છે. વિરોધ બાદ તેનું હિન્દી વર્ઝન બધા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં તેનું નવું વર્ઝન આવશે. છતાં આ ગીતને લઈને વિવાદ થંભતો દેખાતો નથી. અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે પણ આ ગીતની ટીકા કરી છે.
સંસદની બહાર મીડિયા સાથે વાત કરતાં તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેઓ કહે છે, અશ્લીલતા અને સસ્તી પીઆર ટ્રીક દ્વારા ધ્યાન ખેંચવા માટે બોલીવુડે બધી હદો પાર કરી દીધી છે. આખો દેશ તેમને ધિક્કારે છે, તેમને ઠપકો આપે છે, પરંતુ મને નથી લાગતું કે તેમને શરમ આવે છે. કારણ કે આવા પ્રકારના ગીતો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ.
આ કોઈ નવી વાત નથી, પરંતુ વચ્ચે વચ્ચે આવા ગીતો પર પ્રતિબંધ પણ લાગ્યા છે અને હવે મને લાગે છે કે તેના પર વધુ કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની અશ્લીલ રજૂઆત સમાજ અને સંસ્કૃતિના મૂલ્યો પર અસર કરે છે. પરિવાર સાથે બેસીને ટીવી જોવું મુશ્કેલ બની ગયું છે. મને લાગે છે કે બોલીવુડ પર સારી રીતે લગામ લગાવવી પડશે.”
‘સરકે ચૂનર તેરી’ ગીતના ગીતકાર રકીબ આલમ છે. તેમને પણ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટરનેટ પર ચાલી રહેલી ટીકા અંગે તેમણે મંગળવારે પ્રતિક્રિયા આપી હતી અને આ ગીત સાથે જોડાવા માટે માફી પણ માંગી હતી. તેમણે જણાવ્યું કે, આ ગીત તેમણે નહીં, પરંતુ ફિલ્મના ડિરેક્ટર પ્રેમે લખ્યું છે. તેમણે કહ્યું, “આ શબ્દો મેં લખ્યા નથી. ડિરેક્ટર પ્રેમે આ ગીત કન્નડમાં લખ્યું હતું.
જ્યારે મને તેને લખવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં ઈન્કાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું કે આવા ગીતો ચાલશે નહીં, સેન્સર થઈ જશે. તેમણે મને કહ્યું કે હું ફક્ત કન્નડ વર્ઝનનું અનુવાદ કરી દઉં. ‘ચૂસેગા’, ‘ચાટેગા’ જેવા શબ્દો મૂળ વર્ઝનમાં જ હતા. રકીબ આલમે જણાવ્યું કે, આ આખું ગીત દારૂની બોટલને ધ્યાનમાં રાખીને લખાયું છે. ‘સરકે ચૂનર’ ગીતના કારણે તેમને શરમ અનુભવાઈ રહી છે. હવે નિર્માતાઓએ તેમને સાફ અને યોગ્ય શબ્દો સાથે નવું વર્ઝન લખવા માટે કહ્યું છે.


Leave a Comment