મુંબઈ: ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળતાં સમગ્ર મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. ધમકીભર્યા ઈમેલમાં બોમ્બે હાઈકોર્ટ સાથે-साथ શહેરની અનેક મેજિસ્ટ્રેટ કોર્ટોમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે કોર્ટ પરિસરોમાં હડકંપ મચી ગયો હતો.
એલર્ટ મળતાની સાથે જ સુરક્ષા પ્રોટોકોલ મુજબ બોમ્બે હાઈકોર્ટ સહિત અંધેરી, બાંદ્રા અને ફોર્ટ સ્થિત એસ્પ્લેનેડ કોર્ટ કોમ્પ્લેક્સને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી અને જજોના કોર્ટરૂમ પણ ખાલી કરાવાયા હતા.
પરિસરમાં બોમ્બ નિરોધક દળ (BDDS) અને ડૉગ સ્ક્વોર્ડની ટીમો તહેનાત કરી વ્યાપક તલાશી અભિયાન હાથ ધરાયું હતું. સાથે જ શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારો અને કેટલીક બેંકોમાં પણ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તમામ શંકાસ્પદ સ્થળોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને ક્યાંયથી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. પ્રાથમિક તપાસમાં આ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં, ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ સામે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરક્ષા એજન્સીઓની મંજૂરી બાદ બોમ્બે હાઈકોર્ટની કાર્યવાહી બપોરે લગભગ 3 વાગ્યાથી ફરી શરૂ થવાની શક્યતા છે. હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે.


Leave a Comment