ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ દુશ્મનાવટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની T20 વર્લ્ડ કપની મેચને લઈને પાકિસ્તાન સરકારે ભારત સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં ભારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
પાકિસ્તાને રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તે T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. ICC દ્વારા બાંગ્લાદેશની મેચ ભારતની બહાર ખસેડવાની માંગ નકારી કાઢ્યા બાદ પાકિસ્તાન દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે.
કપિલ દેવે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાનના આ નિર્ણય પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ મુદ્દો માત્ર રાજકારણ કે ઈમેજનો નથી, પરંતુ યુવા ક્રિકેટરોના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે.
કપિલ દેવે જણાવ્યું,
“જો ખેલાડીઓ પોતે નિર્ણય લેતા હોય તો તેઓ આગળ આવીને કહી શકે છે. પરંતુ જો બોર્ડ જ કહે કે તમે નહીં રમો, તો તે દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.”
તેમણે વધુમાં ચેતવણી આપી કે વારંવાર ભારત સામે મેચથી દૂર રહેવું અને બહિષ્કાર કરવો પાકિસ્તાન ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી જવાની દિશામાં લઈ જશે.
“પાકિસ્તાન માટે પરિસ્થિતિ સારી નથી. તમે આખી એક જનરેશનનો નાશ કરી રહ્યા છો,” એમ તેમણે કહ્યું.
ICC માટે મોટો ઝટકો
ભારત-પાકિસ્તાન મેચો ICC ટુર્નામેન્ટ્સ માટે સૌથી મોટા રેવન્યુ સોર્સ માનવામાં આવે છે. બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અને સ્પોન્સરશિપનો મોટો હિસ્સો આ મેચ પર આધારિત હોય છે. પાકિસ્તાનના બહિષ્કારથી ICC પણ મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગઈ છે.
હવે તમામની નજર ICCના આગામી પગલાં પર છે કે ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે આ વિવાદનો અંત કેવી રીતે લાવવામાં આવે છે.


Leave a Comment