રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા કેકેવી ચોક પાસે ગઈકાલે મધરાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના બની છે. એક 33 વર્ષીય નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને એક શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
મધરાત્રે બ્રિજ નીચે લોહીલુહાણ લાશ મળી
બનાવની વિગતો મુજબ, બુધવારે (4 માર્ચ) મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ કેકેવી ચોક ઓવરબ્રિજ નીચે એક યુવાનની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ પોલીસને થઈ હતી. માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જીગ્નેશ દેસાઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવાનના માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
મૃતક હોટલમાં વેઈટર હતો, પત્ની સાથે થયા હતા છૂટાછેડા
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા તરીકે થઈ છે. રાહુલ યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતો હતો અને સ્થાનિક હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. રાહુલે અગાઉ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા અને તેની પુત્રી હાલ માતા સાથે રહે છે. રાહુલ બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો હતો અને તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે.
“કામ પર જવાનું કહીને નીકળ્યો હતો”
રાહુલના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાહુલની માતા સરસ્વતીબેન અને બહેન રિંકલના આક્રંદથી સિવિલ હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. રાહુલની બહેન રિંકલ ગોહેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “મારો ભાઈ બે દિવસથી ઘરે આવ્યો નહોતો, અમને એમ હતું કે તે મિત્રો સાથે ક્યાંક ફરવા ગયો હશે. તે રાત્રે 10:30 વાગ્યે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. સવારે અચાનક પોલીસે ઘરે આવીને હત્યાના સમાચાર આપતા અમે સ્તબ્ધ થઈ ગયા છીએ.” રિંકલે રડતા રડતા હાથ જોડીને માંગ કરી હતી કે, “મારા ભાઈને ન્યાય આપો અને આરોપીને કડકમાં કડક સજા કરો.”
CCTV ફૂટેજ અને શકમંદની અટકાયત
હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ લૂંટના ઈરાદે કે જૂની અદાવતમાં હત્યા થઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. માલવિયાનગર પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે એક શખ્સણી અટકાયત કરી છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શહેરના મધ્યમાં અને પોલીસ ચોકીથી નજીક થયેલી આ હત્યાએ લોકોમાં ભય ફેલાવ્યો છે. પોલીસ ટૂંક સમયમાં આ હત્યાનો ભેદ ઉકેલે તેવી શક્યતા છે.


Leave a Comment