કીમતી ધાતુઓને સંકટ સામેની ચાવી ગણવામાં આવે છે. મુશ્કેલીના સમયમાં તેમજ રૂપિયાની જરૂર પડે ત્યારે લોકો પોતાની પાસે રહેલા સોના અને ચાંદીના ઘરેણાંને વેચીને રોકડી કરી લેતા હોય છે. આજ કારણે આ બંને કીમતી ધાતુઓમાં રોકાણ પ્રવાહ દર વર્ષે વધી રહ્યો છે. રોકાણની બાબતમાં ચાંદી કરતાં સોના ઉપર લોકોને વધારે ભરોસો હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો સોનામાં નહીં પણ ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને તગડું વળતર મળ્યું છે.
ગયા વર્ષે દિવાળીના નજીકના દિવસોમાં સોનું રૂ. 59,752 પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું જે આ વર્ષે અત્યારે રૂ. 78,200ના લેવલ ઉપર છે. વાર્ષિક ધોરણે સોનામાં 30.87%નો વધારો થયો છે. બીજી તરફ્ ચાંદી ગત વર્ષે રૂ. 70,032 પ્રતિ કિલો હતી, જેનો હાલ રૂ. 96,500 ભાવ છે. આ રીતે ચાંદીએ એક વર્ષમાં 37.79% જેટલું વળતર આપ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ શરૂ થયું હતું અને તે વર્ષની દિવાળીથી અત્યાર સુધીમાં સોનામાં આશરે 54%નો વધારો થયો છે જ્યારે ચાંદીમાં 67%નો ઊંચાળો આવ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષોથી વિશ્વના અલગ અલગ ભાગોમાં યુદ્ધની સ્થિતિ છે. રશિયા અને યુક્રેન બાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફટી નીકળ્યું હતું. બીજી તરફ્ અમેરિકા, ચીન, યુરોપ સહિતના દેશોમાં અર્થતંત્ર નબળા પડયા છે. આ બધા પરિબળોને કારણે સલામત રોકાણ તરીકે બુલિયનમાં રોકાણ વધી રહ્યું છે. ચાંદીમાં વધુ વળતર મળવાનું મહત્વનું એક કારણ એ પણ છે કે ચાંદી જ્વેલરી ઉપરાંત ઔદ્યોગિક મેટલ પણ છે. વિતેલા બે-ત્રણ વર્ષોથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને સોલાર એનર્જી ઉદ્યોગ તરફ્થી ચાંદીની માંગ ઘણી વધી છે.
માર્ચ સુધીમાં ચાંદી રૂ. 1.30 લાખ થઈ શકે છે
નિષ્ણાતો એવો પણ મત ધરાવે છે કે, જે પ્રકારે છેલ્લા એક વર્ષમાં ચાંદીએ રોકાણકારોને વળતર આપ્યું છે તે જોતાં આગામી સમયમાં ચાંદીમાં રોકાણ પ્રવાહ વધવાની સંભાવના છે. વર્તમાન જીઓ-પોલિટિકલ સ્થિતિને જોતાં ચાંદીમાં સેફ્ હેવન તરીકેની માંગ જળવાઈ રહેશે જેનાથી આગામી છ મહિનામાં વૈશ્વિક ચાંદી 40 ડોલરના માર્કને આંબી જશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત ETF મારફ્ત રોકાણ અને ચીનની ઔદ્યોગિક માંગ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા માર્ચ 2025 સુધીમાં ચાંદી રૂ. 1.30 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
Source link