BUSINESS

Business: માધવીબૂચે 2011થી 2013માં ICICIબેંક અને ખાનગી કંપનીમાં એક સાથે ફરજ બજાવેલી

પહેલેથી જ વિવાદોમાં ઘેરાયેલા સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધવી પૂરી બૂચ અંગે વધુ એક નવો વિવાદાસ્પદ ખુલાસો સામે આવ્યો છે. વધુ એક એવો ઘટસ્ફોટ થયો છે.

કે, માધવી પૂરી બૂચએ વર્ષ 2011થી 2013 વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ અને પ્રાઈવેટ ઈક્વિટી કંપની ગ્રેટર પેસિફિક કેપિટલ ખાતે એક જ સમયે ફરજ બજાવી હતી. આ ખુલાસા બાદ હવે એવો પ્રશ્ન ઊદ્ભવ્યો છે કે, માધવી પૂરી બૂચ એક જ સમયે બે ફાઈનાન્સિયલ કંપનીઓમાં કેવી રીતે કામગીરી કરી શકે?

સમાચાર માધ્યમમાં ચમકેલા અહેવાલ મુજબ હાલ જે વિગત બહાર આવી છે, તેમાં એવું જાણવા મળ્યું છે કે, એપ્રિલ 2011માં આઈસીઆઈસીઆઈ સિક્યુરિટિઝ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેનું પદ છોડનારા માધવી પૂરી બૂચએ ઓક્ટોબર 2013 સુધી આઈસીઆઈસીઆઈ બેંકમાં સેવા આપી હતી. આઈસીઆઈસીઆઈ બેંકએ બીજી સપ્ટેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જને જે માહિતી આપી હતી, તેના આધારે પણ આ વાતને સમર્થન મળ્યું છે. આ પ્રાઈવેટ બેંકએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર 2013ના રોજ માધવી પૂરી બૂચ પોતાના પદ પરથી નિવૃત્ત થયા હતા. બીજી તરફ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઈન પર ઉપલબ્ધ માધવી પૂરી બૂચની પ્રોફાઈલમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે આ સમયગાળા દરમ્યાન સિંગાપોર ખાતે મુખ્ય મથક ધરાવતી ખાનગી ઈક્વિટી ફર્મ ગ્રેટર પેસિફિક કેપિટલ સાથે પણ બિઝનેસ ડેવલપમેન્ટના વડા તરીકે ફરજ બજાવી હતી.

સેબી દ્વારા 2017માં જ્યારે માધવી પૂરી બૂચને પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સાથેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સેબીની પાંચમી એપ્રિલ2017ની અખબારી યાદીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, માધવી પૂરી બૂચ ઈક્વિટી ફર્મ ગ્રેટર પેસિફિક કેપિટલના સિંગાપોર કાર્યાલયના વડા તરીકે પણ સેવા આપી ચૂકયા છે. અને તેમણે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તથા આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. તેમણે માર્ચ 2022માં સેબીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પહેલાં 2017થી 2021ની વચ્ચે માધવીએ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button