- યુએસના ઉત્પાદન અને રોજગારીના આંકડા જાહેર થવાના હોવાથી બજારમાં સાવચેતીનો સૂર
- સેન્સેક્સમાં દસ સેશનથી ચાલતી તેજીનો અંત, મિડ કેપ સ્મોલ કેપ શેરોનું આઉટપર્ફોમ
- નિફ્ટી પરના 14 પૈકી 9 સેકટોરલ ઇન્ડેક્સ ઘટયા, મેટલ 0.56% ઘટયો
- નિફ્ટી ફિન સર્વિસીસ 0.82% અને કન્ઝયુમર ડયૂરેબલ્સ 1.31% વધ્યો
બેંકિગ ક્ષેત્રના હેવિવેઇટ આઇસીઆઇસીઆઇ બેંક અને એચડીએફસી બેંકમાં તેજીને પગલે ભલે નિફ્ટી આજે માત્ર 1.15 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.
તેમ છતાં આના પરિણામે આજે સતત 14માં સેશનમાં નિફ્ટી વધ્યો હતો, જે એક નવો વિક્રમ છે. બીજી તરફ સેન્સેક્સ માત્ર 4.41 પોઇન્ટ ઘટીને બંધ રહેતા 10 સેશનથી આ સુચકાંકમાં ચાલતી તેજીનો અંત આવ્યો હતો. આજે મોડી રાત્રે યુએસના મેન્યુફેક્ચરિંગ ડેટા અને શુક્રવારે યુએસના રોજગારીના ડેટા જાહેર થવાના હોવાથી તેના આધારે ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં કેટલો ઘટાડો કરાશે તેના સંકેતો મળવાના હોવાથી રોકાણકારોએ આજે સાવચેતીનો સુર અપનાવ્યો હતો, જેને કારણે શેરબજારમાં એકદંરે શુષ્ક વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસભર સુચકાંકો ઘટીને ટ્રેડ થયા હતા અને છેલ્લા કલાકમાં થોડી લેવાલી આવી હતી.
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.96 ટકા ઘટીને 13.93ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પર 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 9 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી મિડિયામાં 1.44 ટકાનો, મેટલમાં 0.56 ટકાનો, રિઆલ્ટીમાં 0.52 ટકાનો અને ઓઇલ એન્ડ ગેસમાં પણ 0.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટી બેંક 0.54 ટકા, ફાયનાન્સિયલ સર્વિસીસ 0.82 ટકા, પ્રાઇવેટ બેંક 0.46 ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ 1.31 ટકા વધીને બંધ રહ્યો હતો.
પ્રારંભે 93 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી આજે સેન્સેક્સે ભારે અફરાતફરીભર્યા માહોલ વચ્ચે ઇન્ટ્રા ડેમાં 82,675ની હાઇ અને 82,400ની લો સપાટી બનાવી હતી અને કુલ 275 પોઇન્ટની વધઘટ પછી અંતે માત્ર 4.41 પોઇન્ટ એટલે કે 0.005 ટકા ઘટીને 82,555ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 35 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,321ની હાઇ અને 25,235ની લો સપાટી બનાવી હતી અને કુલ 86 પોઇન્ટની વધઘટ પછી અંતે માત્ર 1.15 પોઇન્ટ એટલે કે 0.004 ટકા વધીને 25,280ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આજે આઉટપર્ફોમ કર્યું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 92 પોઇન્ટ એટલે કે 0.19 ટકા વધીને 49,141ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 301 પોઇન્ટ એટલે કે 0.54 ટકા વધીને 56,061ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. 465.49 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું જે તેની નવી વિક્રમી ટોચ છે. ગઇ કાલના રૂ. 464.85 લાખ કરોડની તુલનાએ આ આંકડો રૂ. 64,000 કરોડનો વધારો દર્શાવે છે. BSE SME IPO ઇન્ડેક્સ આજે 3,347 પોઇન્ટ એટલે કે 3.06 ટકા ઘટીને 1,06,017ના સ્તરે બંધ રહ્યો હતો.
Source link