આજે પ્રારંભે મજબૂતાઇ સાથે ખુલ્યા બાદ કન્ઝુમર અને ફાયનાન્સિયલ સ્ટોકસમાં વેચવાલીને પગલે બજારમાં મંદી છવાઇ હતી. જોકે નીચા મથાળે વેલ્યુ બાયિંગ થતાં સુચકાંકો ઘટયા મથાળેથી નોંધપાત્ર પ્રમાણમાં સુધર્યા હતા. આમ છતાં અંતે તો સેન્સેક્સ અને નિફ્ટી બન્ને નજીવા ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધુ તીવ્ર વેચવાલી જોવા મળી હતી. કંપનીના જગતના પરિણામોની સિઝન શરૂ થઇ રહી છે અને યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા અપેક્ષા કરતા વ્યાજદરમાં ઓછો ઘટાડો કરવામાં આવે એવી ધારણાએ હાલમાં રોકાણકારો સાવચેતીનો સુર અપનાવી રહ્યા હોવાથી બજારમાં આજે મંદી છવાઇ હતી.
પ્રારંભે 120 પોઇન્ટ ઊંચામાં 78,319ની સપાટીએ ખુલ્યો હતો, જે તેની ઇન્ટ્રા ડે હાઇ સપાટી હતી. જોકે તે પછી સેન્સેક્સમાં આ વધારો ટક્યો ન હતો અને સતત મંદીતરફી ચાલ આગળ વધી હતી અને એક સમયે સેન્સેક્સ પાછલા બંધથી 713 પોઇન્ટ ઘટીને 77,486ની ઇન્ટ્રા ડે લો સપાટીએ પહોંચી ગયો હતો. જો કે તે પછી લગભગ એક વાગ્યે પાછી તેજીતરફી ચાલ શરૂ થતાં સેન્સેક્સ ફરી એક વાર પાછલા બંધથી ઉપર ગયો હતો અને દિવસને અંતે ઇન્ટ્રા ડે લોથી 662 પોઇન્ટ વધીને એટલે કે પાછલા બંધથી માત્ર 50 પોઇન્ટ-0.06 ટકા ઘટીને 78,148ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ દિવસ દરમિયાન સેન્સેક્સમાં કુલ 833 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. નિફ્ટી પણ પ્રારંભ 39 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને 23,496ની ઇન્ટ્રા ડે લો સપાટીએ તે પાછલા બંધથી 211 પોઇન્ટ તૂટયો હતો. જો કે તે પછી આ સપાટીથી ફરી 192 પોઇન્ટ ઊંચકાઇને એટલે કે પાછલા બંધી માત્ર 19 પોઇન્ટ-0.08 ટકા ઘટીને 23,688ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં પ્રારંભિક સમયગાળા દરમિયાન 23,751ની હાઇ સપાટી બનાવી હતી. આમ નિફ્ટીમાં દિવસ દરમિયાન કુલ 255 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી.
મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે મંદી વધુ ઘેરી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 502 પોઇન્ટ એટલે કે 1.09 ટકા ઘટીને 45,643ની સપાટીએ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 620 પોઇન્ટ એટલે કે 1.12 ટકા ઘટીને 54,661ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 823 પોઇન્ટ એટલે કે 0.70 ટકા ઘટીને 1,17,614ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,066 શેર પૈકી 1,318 વધીને, 2,664 વધીને અને 84 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 439.59 લાખ કરોડ એટલે કે 5.12 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 441.75 લાખ કરોડથી રૂ. 2.16 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.
સેન્સેક્સના 30 પૈકી 14 અને નિફ્ટીના 50 પૈકી 22 શેર આજે વધીને બંધ રહ્યા હતા. આજે મંદીના માહોલ વચ્ચે ઓએનજીસી 3.04 ટકા વધ્યો હતો, જ્યારે એપોલો હોસ્પિટલમાં 4.06 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 1.33 ટકા ઘટીને 14.47ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી ત્રણ વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1.54 ટકાનો, આઇટીમાં 0.60 ટકાનો અને એફએમસીજીમાં 0.44 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી હેલ્થકેર 1.09 ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ 2.16 ટકા ઘટયો હતો
FIIની રૂ. 3,362 કરોડની નેટ વેચવાલી । એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 3,362 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,716 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે જાન્યુઆરીમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 11,931 કરોડ જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 12,614 કરોડ થાય છે.
રૂપિયો 85.89ની નવી લાઇફટાઇમ લો સપાટીએ
આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાએ 13 પૈસા તૂટીને 85.87ની નવી લાઇફટાઇમ લો સપાટી બનાવી હતી. ડોલર મજબૂત થતાં અને ક્રુડના ભાવમાં પણ વધારો નોંધાતા રૂપિયામાં ધોવાણ થયું હતું. દિવસના પ્રારંભે 85.82ની સપાટીએ ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં રૂપિયાએ 85.89ની તેની સૌથી નીચી ઇન્ટ્રા ડે સપાટી બનાવી હતી અને અંતે પાછલા બંધની તુલનાએ 13 પૈસા તૂટીને 85.87ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇક્વિટી માર્કેટમાં મંદીને કારણે વિદેશી ફંડો રોકાણ પાછું ખેંચશે એવી ભીતિએ પણ રૂપિયામાં નરમાશ આગળ વધી હતી.
Source link