ભારતમાં કરચોરીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગે ટેકનોલોજીનો નવો ઉપયોગ શરૂ કર્યો છે. વિભાગ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બેન્કના સેવિંગ્સ એકાઉન્ટ્સ પર કડક નજર રાખી રહ્યો છે. જો કોઈ કરદાતાના બચત ખાતામાં અચાનક ઊંચું બેલેન્સ જોવા મળે અથવા ખર્ચની સરખામણીએ જમા રકમ ઘણી વધારે હોય, તો આવકવેરા અધિકારીઓ હવે તેની પૂછપરછ કરી શકે છે.
- સંભવિત કરચોરીની તપાસ હાથ ધરવામાં આવી
AI આધારિત સિસ્ટમ દ્વારા આવકવેરા વિભાગે એવા ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે, જેમાં વ્યક્તિઓએ અજાણ્યા અથવા અઘોષિત સ્ત્રોતોમાંથી મળેલી રકમ પોતાના ખાતામાં જમા કરી હતી. આ પ્રકારના વ્યવહારોના આધારે હવે સંભવિત કરચોરીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોઈ પગારદાર વ્યક્તિના પગાર ખાતામાં નિયમિત આવક હોવા છતાં તેની સેવિંગ્સ એકાઉન્ટમાં ઊંચું બેલેન્સ રહેતું હોય અને ઉપાડ ઓછો કરવામાં આવતો હોય, તો હવે AI તે કેસને ‘અસામાન્ય’ તરીકે ચિહ્નિત કરશે. બાદમાં માનવ નિરીક્ષણ અને ડેટા એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
- સિસ્ટમથી અનેક કરદાતાઓ પકડાયા
છેલ્લા કેટલાક મહિનાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમથી અનેક કરદાતાઓ પકડાયા છે, જેમણે વર્ષો સુધી મોટી રકમ બેન્કમાં જમા રાખી હતી પરંતુ ખર્ચ માટે ઓછો ઉપાડ કર્યો હતો. આવા લોકોને જ્યારે વિભાગે નોટિસ મોકલી, ત્યારે ઘણા લોકો પોતાના રોજિંદા ખર્ચ અને નાણાંના સ્ત્રોત વિશે સ્પષ્ટતા આપી શક્યા નહોતા.
- બ્લેક મની અને અઘોષિત આવકનો ઉપયોગ
આવકવેરા અધિકારીઓએ બેન્કના રેકોર્ડ્સની તપાસ કરતા જાણવા મળ્યું કે આ પ્રકારના ઘણા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ ઓછો હતો, જેનાથી સંકેત મળ્યો કે કરદાતા પોતાની જાહેર ન કરેલી આવક એટલે કે બ્લેક મનીનો ઉપયોગ રોજિંદા ખર્ચ માટે કરી રહ્યા હતા. આવા કિસ્સાઓમાં આવકવેરા વિભાગે નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે અને અઘોષિત આવકની વિગત માંગવામાં આવી રહી છે.
- પગારદાર વર્ગમાં પણ નવી કરચોરીની રીત
આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અગાઉ આવી કરચોરીની રીત વેપારીઓમાં વધુ જોવા મળતી હતી, જ્યાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે પગારદાર કરદાતાઓ પણ આ રીત અપનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પગાર ઉપરાંત ભાડાંની આવક ધરાવે છે, પણ તે ભાડું રોકડમાં લઈ તેને આવકવેરા રિટર્નમાં જાહેર કરતો નથી. આવકવેરા કાયદા મુજબ આવી આવક જાહેર કરવી ફરજિયાત છે.
- AI દ્વારા ખાતાઓનું સઘન મોનિટરિંગ
વિભાગના સૂત્રો અનુસાર, આવકવેરા વિભાગ હવે સંપૂર્ણ નાણાકીય વર્ષના બેન્ક ટ્રાન્ઝેક્શનનું AI દ્વારા વિશ્લેષણ કરી રહ્યો છે. સિસ્ટમ એવા ખાતાઓ શોધી કાઢે છે, જેમાં જમા થતી રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાની આવકનો 30 થી 40 ટકા ભાગ જીવન જરૂરિયાતો માટે ખર્ચે છે. જો કોઈ ખાતાધારકનું ઉપાડ આ પ્રમાણ કરતાં ઓછું હોય, તો AI તે ખાતાને ‘સંદિગ્ધ’ ગણાવે છે.
- વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત શોધી શકે
આ સિસ્ટમ પાન કાર્ડ અને અન્ય નાણાકીય ડેટા સાથે ઇન્ટિગ્રેટેડ હોવાથી હવે આવકવેરા વિભાગ સરળતાથી જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત શોધી શકે છે. આ પગલાથી બ્લેક મનીનો પ્રવાહ રોકવામાં અને કરચોરી ઘટાડવામાં વિભાગને મોટી મદદ મળશે.



Leave a Comment