ભારતના ખાંડ ઉદ્યોગ માટે ગયા સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે. સરકારે હાલની ખાંડ સિઝન માટે 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપીને ઉદ્યોગને મોટી સહાય પૂરી પાડી છે. શેરડીના વધેલા ઉત્પાદન અને ઈથેનોલ માટેની નબળી માંગને કારણે ઉદ્યોગ પર આવેલું દબાણ હવે થોડું હળવું થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- 50 ટકા નિકાસ ડયૂટી રદ કરવામાં આવી
સરકારના આ નિર્ણયથી ખાંડ મિલોની ઈન્વેન્ટરીમાં ઘટાડો થશે અને તેમની આવકમાં સુધારો જોવા મળશે. સાથે જ મોલાસિસ પર લાગેલી 50 ટકા નિકાસ ડયૂટી પણ રદ કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો મિલો અને ખેડુતોને થશે. મોલાસિસ એટલે શેરડીમાંથી ખાંડ બન્યા પછી બાકી રહેતું ઉપઉત્પાદન, જેનો ઉપયોગ ઈથેનોલ નિર્માણમાં પણ થાય છે.
- 15 લાખ ટન નિકાસ માટે છૂટ
ખાંડ મિલો દ્વારા અગાઉ સરકારે 20 લાખ ટન નિકાસ મંજૂરીની માંગણી કરી હતી, પરંતુ સરકારે હાલ તબક્કાવાર રીતે 15 લાખ ટન માટે છૂટ આપી છે. ગયા વર્ષ 2024-25ની ખાંડ સિઝન દરમિયાન દસ લાખ ટન નિકાસ પરવાનગી સામે આશરે આઠ લાખ ટન ખાંડ નિકાસ કરવામાં આવી હતી.
- શેરડીનું રેકોર્ડ ઉત્પાદન
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં શેરડીના રેકોર્ડ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખાંડ ઉત્પાદનનો આંકડો આ વર્ષે નોંધપાત્ર રીતે વધવાનો અંદાજ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના અનુમાન મુજબ 2025-26ની ખાંડ સિઝનમાં કુલ ઉત્પાદન 16 ટકા વધીને આશરે 343.50 લાખ ટન પહોંચશે.
ગયા વર્ષની તુલનામાં આમાં નોંધપાત્ર વૃદ્ધિ છે, કારણ કે 2024-25ની સિઝનમાં કુલ ઉત્પાદન 296.10 લાખ ટન રહ્યું હતું. ગત વર્ષે શેરડીના ઓછા ઉત્પાદનને કારણે સરકારે મોલાસિસ પર 50 ટકા નિકાસ ડયૂટી લગાવી હતી, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો જળવાઈ રહે, પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં વધારાને કારણે તે ડયૂટી હટાવવામાં આવી છે.



Leave a Comment