ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

કર્ણાટકમાં ટોલ પ્લાઝાના કર્મચારી પર ભાજપ નેતાના પુત્રની દાદાગીરી : CCTV વીડિયો વાયરલ

કર્ણાટકમાં ભાજપના એક વરિષ્ઠ નેતાના પુત્ર દ્વારા ટોલ બૂથના કર્મચારી સાથે કરવામાં આવેલી દાદાગીરી અને મારપીટનો સીસીટીવી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી વિવાદ ઊભો થયો છે. વિજયપુરા-કાલાબુરાગી હાઈવે પર સ્થિત એક ટોલ બૂથ પર બનેલી આ ઘટનામાં, નેતાના પુત્રએ ટોલ ભરવાની ના પાડતાં કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તણૂક કરી માર માર્યો હતો.

  • કન્નોલી ટોલ પ્લાઝા પર બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ ગઈકાલે, 30 ઓક્ટોબરે, ગુરૂવારના રોજ વિજયપુરા-કાલાબુરાગી હાઈવે પર આવેલા કન્નોલી ટોલ પ્લાઝા પર બન્યો હતો. ભાજપના નેતા વિજુગૌડા પાટિલના પુત્ર સમર્થગૌડા પાટિલ તેના મિત્રો સાથે વિજયપુરાથી સિંદગી તરફ મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તેમની ગાડી ટોલ બૂથ પર અટકાવવામાં આવી અને ટોલ ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે સમર્થગૌડાએ પોતાનો પાવર બતાવવાનું શરૂ કર્યું.

  • ‘તમે મને ઓળખો છો હું કોણ છું?’

પોલીસના જણાવ્યા મુજબ, ટોલ ચૂકવવાનું કહેવા પર સમર્થગૌડાએ પોતાના પિતાના રાજકીય પદનો દુરુપયોગ કરતાં કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કર્મચારી પર બૂમો પાડીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ધમકી આપી: ‘તમે મને ઓળખો છો હું કોણ છું? હું ભાજપ નેતા વિજુગૌડા પાટિલનો પુત્ર છું.’

  • કર્મચારીએ સામો પ્રશ્ન કરતાં ઉશ્કેરાયો

જ્યારે પીડિત કર્મચારી સંગાપ્પાએ સામો પ્રશ્ન કર્યો કે, ‘કોણ વિજુગૌડા?’ ત્યારે સમર્થગૌડા અને તેની સાથે રહેલા મિત્રો વધુ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક કર્મચારી પર હુમલો કર્યો અને તેની સાથે મારામારી કરી ગાળાગાળી કરી. સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેમાં નેતાનો પુત્ર ખુલ્લેઆમ દાદાગીરી કરતો જોવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button