ChatGPTનો ખેલ ખતમ? આ કંપનીના AI ચેટબોટના યુઝર્સમાં થયો 175%નો જબરદસ્ત વધારો

એક નવા રિપોર્ટ મુજબ, માર્ચથી જૂન મહિના દરમિયાન માઈક્રોસોફ્ટના કોપાયલટના યુઝર્સમાં 175% નો વધારો થયો છે. માર્ચમાં 3.2 મિલિયન યુઝર્સ હતા, જે હવે વધીને 8.8 મિલિયન એક્ટિવ યુઝર્સ થઈ ગયા છે.
આની સરખામણીમાં, ગૂગલના જેમિનીના યુઝર્સમાં 68% નો વધારો થયો છે, અને તેના કુલ યુઝર્સ 14.3 મિલિયન છે. સૌથી ઓછો વધારો ચેટજીપીટીમાં થયો છે, જેમાં ફક્ત 17.9% નો વધારો થયો છે, અને તેના કુલ યુઝર્સ 25.4 મિલિયન છે.
જોકે ચેટજીપીટી કુલ યુઝર્સની સંખ્યામાં હજી પણ સૌથી આગળ છે, પરંતુ જે ઝડપથી કોપાયલટ આગળ વધી રહ્યું છે, તે જોતા ભવિષ્યમાં તે મોટી હરીફાઈ ઊભી કરી શકે છે.
કોપાયલટની સફળતા પાછળનું કારણ
કોપાયલટના યુઝર્સ ઝડપથી વધવાનું મુખ્ય કારણ માઈક્રોસોફ્ટની વિશાળ ઇકોસિસ્ટમ છે. માઈક્રોસોફ્ટે કોપાયલટને 365, વિન્ડોઝ, એજ અને અઝુરે જેવા તેના દરેક પ્લેટફોર્મમાં સમાવિષ્ટ કર્યું છે.
આથી, ઓફિસના કામ માટે માઈક્રોસોફ્ટના પ્લેટફોર્મનો ઉપયોગ કરતા એન્ટરપ્રાઇઝ અને એજન્સીઓ માટે કોપાયલટ ખૂબ જ અનુકૂળ બની રહ્યું છે. કોપાયલટમાં વોઇસ કમાન્ડ, ઓપન ટેબ્સ, પ્રોડક્ટની સરખામણી અને ખરીદી જેવી સુવિધાઓ પણ તેને વધુ સરળ બનાવે છે.
મોબાઈલ વર્સસ ડેસ્કટોપ યુઝર્સ
આ ડેટામાંથી એક બીજો રસપ્રદ ટ્રેન્ડ પણ સામે આવ્યો છે. હવે AIનો ઉપયોગ ડેસ્કટોપ કરતાં મોબાઈલ પર વધુ થઈ રહ્યો છે. મોબાઈલ પર AIનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યામાં 5.3% નો વધારો થયો છે, જે 73.4 મિલિયન થઈ ગઈ છે.
બીજી તરફ, ડેસ્કટોપ યુઝર્સમાં 11.1% નો ઘટાડો થયો છે, જે 78.4 મિલિયન છે. આ દર્શાવે છે કે AI હવે ફક્ત પ્રોફેશનલ કામ માટે જ નહીં, પરંતુ રોજિંદા જીવનનો પણ એક ભાગ બની રહ્યું છે.
ચેટજીપીટીના લોયલ યુઝર્સ
આ હરીફાઈમાં એક રસપ્રદ વાત એ છે કે ઘણા યુઝર્સ એક કરતા વધારે AI ચેટબોટનો ઉપયોગ કરે છે, પરંતુ ચેટજીપીટીના યુઝર્સ ઘણા લોયલ છે. રિપોર્ટ મુજબ, 85% યુઝર્સ ફક્ત એક જ AI ચેટબોટનો ઉપયોગ કરે છે, અને મોટાભાગના યુઝર્સ અન્ય કોઈ પ્લેટફોર્મ પર એક્સપેરિમેન્ટ કરતા નથી.
જ્યારે કોપાયલટ અને જેમિનીના યુઝર્સ અન્ય પ્લેટફોર્મ પર એક્સપ્લોર કરતા રહે છે. આ ટ્રેન્ડ ભવિષ્યમાં AI ની રેસ કઈ દિશામાં જશે તેનો સંકેત આપે છે.