Banskantha News: બનાસકાંઠા જિલ્લામાં દાંતા બાદ હવે અમીરગઢમાં વધુ એક રાજકીય વિવાદે માથું ઉચક્યું છે. સરોતરા ગામે રસ્તાના ખાતમુહૂર્ત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને રાજ્યના વનમંત્રી પ્રવિણ માળી વચ્ચે સીધો ટકરાવ સર્જાયો છે.
રવિવારે સવારે મંત્રી પ્રવિણ માળીના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત થવાનું હતું, પરંતુ તે પહેલા જ કોંગ્રેસ MLA કાંતિ ખરાડી મધરાતે પોતાના સમર્થકો સાથે ગામે પહોંચ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કંકુ-ચોખા અર્પણ કરી, નાળિયેર ફોડી રસ્તાના કામનું ઉદ્ઘાટન કરી દીધું હતું. આ ઘટનાએ વહીવટી તંત્ર અને ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ખળભળાટ મચાવ્યો.
કાંતિ ખરાડીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યોને જાણબૂઝીને સરકારી કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવે છે. મારા મત વિસ્તારમાં થતા કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ આમંત્રણ આપવાની તસ્દી પણ લેવાઈ નથી. તેમણે દાવો કર્યો કે આ રસ્તા 60 વર્ષ જૂના છે અને હાલ માત્ર રિ-સરફેસિંગ થઈ રહ્યું છે, છતાં સરકાર નવો રસ્તો બતાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.
બીજી તરફ, આ ઘટનાથી વનમંત્રી પ્રવિણ માળી માટે અસહજ સ્થિતિ સર્જાઈ હતી અને તેમણે સરોતરાનો કાર્યક્રમ રદ્દ કરી કપાસિયા ગામે ખાતમુહૂર્ત કરવું પડ્યું. મંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા આ રસ્તા અંગે ક્યારેય કોઈ લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવી નથી. સરકાર વિકાસ કાર્ય કરી રહી છે, જ્યારે વિપક્ષ માત્ર પ્રસિદ્ધિ માટે રાજકીય સ્ટંટ કરી રહ્યો છે.
આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ સમર્થકો આને સરકારી કાર્યમાં અવરોધ ગણાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ કાર્યકરો તેને જનપ્રતિનિધિના સ્વાભિમાનની લડાઈ તરીકે રજૂ કરી રહ્યા છે. સ્થાનિકોમાં ચિંતા છે કે નેતાઓની આ ક્રેડિટ વોરમાં ક્યાંક વિકાસના કામો જ અટકી ન જાય.


Leave a Comment