પાલનપુરમાં આજે વહેલી સવારે બનાસકાંઠા પોલીસે ગુનાખોરી સામે કડક અને સ્પષ્ટ સંદેશ આપતી ઉગ્ર કાર્યવાહી કરી હતી. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અને હાલમાં પેરોલ પર બહાર રહેલો મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા સહિત કુલ છ આરોપીઓને દોરડાથી બાંધીને એરોમાં સર્કલ વિસ્તારમાં લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું.
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓને જાહેરમાં ઊભા રાખી પંચનામું કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ફેલાઈ ગઈ હતી. ભાર્ગવ મંડોરાને જાહેરમાં જોતા જ મોટી સંખ્યામાં નાગરિકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. લોકોમાં ખાસ કરીને મુખ્ય આરોપી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
આક્રોશિત ભીડ દ્વારા ‘આરોપીઓને ફાંસી આપો’, ‘કડકમાં કડક સજા થવી જોઈએ’ તેમજ ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ જેવા ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવા છતાં આરોપી પેરોલ પર બહાર હોવાને લઈ લોકોમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ આવી હતી.
પાલનપુર પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વોમાં ભય ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.


Leave a Comment