Crime News : વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા પોતાની પત્નીની ઈંટ અને પથ્થરના ઘા મારીને હત્યા

અલીરાજપુર જિલ્લાનો આરોપી પતિ કાળુભાઈ અને તેની પત્ની નુરલીબેન ત્રણ-ચાર મહિના પહેલા ગુદીયાળા ગામે ખેત મજૂરી કરવા આવ્યા હતા. તેઓ ગામના ખેડૂત ઉપેન્દ્રભાઈ પેઢડીયાની વાડીમાં કામ કરતા હતા અને ઓરડીમાં બે બાળકો સાથે રહેતા હતા. કાળુભાઈ કોઈ કામધંધો કરતો નહોતો અને અવારનવાર પત્ની પાસેથી મજૂરીના પૈસા માટે ઝઘડો કરતો હતો.
પત્નીના ચહેરા પર ઉપરાછાપરી ઘા માર્યા
ગત ઓગસ્ટ મહિનાની પહેલી તારીખના વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે, કાળુભાઈએ નુરલીબેનને જગાડીને પૈસાની માંગણી કરી. નુરલીબેને પૈસા આપવાની ના પાડતા કાળુભાઈ આવેશમાં આવી ગયો અને ઓરડી પાસે પડેલી ઈંટ તથા પથ્થરથી પત્નીના ચહેરા પર ઉપરાછાપરી ઘા માર્યા. લોહીલુહાણ હાલતમાં નુરલીબેન ત્યાં જ ઢળી પડ્યા.
બાળકોની નજારો સામે થઈ માતાની હત્યા
માતા પર હુમલો થતા ડરી ગયેલા બાળકોએ બાજુની વાડીમાં રહેતા સંબંધીને જાણ કરી. તાત્કાલિક નુરલીબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ હાથ ધરી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાળુભાઈની ધરપકડ કરી લીધી હતી.