ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે આ ચક્રવાત ટકરાવવાનું છે. તેની અસરો તો અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ત્યારે સેન્ડ આર્ટીસ્ટે એક રેત શિલ્પ તૈયાર કર્યુ છે જેમાં ભગવાન જગન્નાથ અને ચક્રવાતને દર્શાવીને લખ્યુ છે કે પેનિક ન થશો. આ ચક્રવાત કેટલુ ભયંકર હશે તે દ્રશ્યો પરથી જ સમજ આવી જાય છે. ત્યારે ચક્રવાતને લઇને વહીવટી તંત્ર કેટલુ એલર્ટ છે તે વિશે જાણીએ.
લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે
બંગાળની ખાડીમાં ચક્રવાત દાના 24-25 ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ હાઇ એલર્ટ પર છે. આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંનેને ત્રાટકશે, પરંતુ ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થવા જઈ રહ્યું છે, જેની અસર રાજ્યમાં પણ જોવા મળી રહી છે. ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશાના લગભગ 3 લાખ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, અને આજે બપોર સુધીમાં લગભગ 90% લોકોને સલામત સ્થળે ખસેડવાનું લક્ષ્ય છે.
ફ્લાઇટ સેવા સ્થગિત
રાજ્યના ભુવનેશ્વર એરપોર્ટ સત્તાવાળાઓએ 24 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી 25 ઓક્ટોબર સુધી 17 કલાક માટે ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે, જેના કારણે લગભગ 45 ફ્લાઈટ્સ પ્રભાવિત થવાની આશંકા છે.
182 ફાયર અને રેસ્ક્યુ ટીમ તૈનાત
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જ્યારે ચક્રવાત રાજ્યમાં ત્રાટકશે ત્યારે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ(IMD) એ કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા પ્રભાવિત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના 14 જિલ્લાઓમાં 182 ફાયર અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે.
288 બચાવ ટુકડીઓ તૈનાત
ઓડિશા સરકારે રાજ્યના 14 જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટુકડીઓ તૈનાત કરી છે. સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 19 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) ની 51 ટીમો અને ફાયર સર્વિસની 178 ટીમો તૈનાત કરી છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપતા કહ્યું કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં 90-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
Source link