Health Tips: ઘણા લોકો એવું માને છે કે દરરોજ ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ અથવા વજન વધી જાય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ વાતને ખોટી ગણાવે છે. ઈંડા એક સંપૂર્ણ પોષક ખોરાક છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, હેલ્થી ફેટ્સ, વિટામિન B12, વિટામિન D, ઝીંક અને સેલેનિયમ જેવા મહત્વપૂર્ણ પોષકતત્ત્વો મળે છે.
નિષ્ણાતો કહે છે કે દિવસની શરૂઆત બે ઈંડા સાથે કરવાથી શરીરને પૂરતી ઉર્જા મળે છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં તે શરીરને ગરમ રાખવામાં મદદરૂપ બને છે.
આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?
આરોગ્ય નિષ્ણાતોના મતે, દરરોજ બે ઈંડા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આવા લોકો મોસમી બીમારીઓ સામે વધુ સુરક્ષિત રહે છે અને તેમની રિકવરી સિસ્ટમ પણ ઝડપી હોય છે. ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે શરીરને શક્તિ અને હૂંફ બંને આપે છે.
દરરોજ 2 ઈંડા ખાવાથી થતા ફેરફારો
ડાયેટિશિયન મુજબ, બે ઈંડામાં રહેલું સંપૂર્ણ પ્રોટીન તમામ આવશ્યક એમિનો એસિડ પૂરા પાડે છે. તે સ્નાયુઓના સમારકામ અને વિકાસમાં મદદ કરે છે, ખાસ કરીને નિયમિત કસરત કરતા લોકો માટે.
વજન ઘટાડો અને ઇમ્યુનિટી વધારો
ઈંડામાં રહેલા વિટામિન A, D, ઝીંક અને સેલેનિયમ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પ્રોટીનને પચાવવા વધુ ઊર્જા ખર્ચાતી હોવાથી ચયાપચય સુધરે છે અને વધુ કેલરી બળી જાય છે, જે વજન ઘટાડવામાં સહાયક બને છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક
ઈંડાની પીળાશમાં બાયોટિન, વિટામિન E અને હેલ્થી ફેટ્સ હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરવાનું ઓછું કરે છે. સાથે સાથે ત્વચાને પોષણ મળે છે અને તે ચમકદાર બને છે.


Leave a Comment