OGW Network : દિલ્હી બોમ્બ ધડાકાની તપાસમાં NIAએ કાર્યવાહી વધુ કડક બનાવી છે. ધરપકડ કરાયેલા ડૉક્ટર શાહીન સહિત કુલ સાત આરોપીઓને અલગ–અલગ રાજ્યોના પાંચ શહેરોમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સી હવે તે ‘ડૉક્ટર નેટવર્ક’ પર ફોકસ કરી રહી છે, જે હોસ્પિટલ અને ક્લિનિકની આડમાં આતંકીઓ માટે લોજિસ્ટિક, નાણાં અને રહેવાની વ્યવસ્થા જેવી મદદ પૂરી પાડતું હતું.
- 5 શહેરો કોર ઝોનમાં પરિવર્તિત
સૂત્રો મુજબ NIAએ લખનૌ, કાનપુર, સહારનપુર, ફરીદાબાદ અને જમ્મુ-કશ્મીરને “કોર ઝોન” જાહેર કર્યા છે. અહીં હાઈ-ઇન્ટેન્સિટી રેડ્સ, ડિજિટલ ડેટાની સ્કેનિંગ અને OGW નેટવર્કની ઓળખમાં ગુપ્તચર ઓપરેશન ચાલી રહ્યા છે. ગઈકાલે રાત્રે ડૉક્ટર શાહીનને ફરીદાબાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેના જૂના સંપર્કો અને સંભવિત સેફ–હાઉસની તપાસ થઈ.
- OGW અને સપોર્ટ મૉડ્યુલની સરગમ ખુલતી
NIAને શંકા છે કે આ ધડાકા પાછળ માત્ર ઓપરેશનલ ટીમ જ નહીં, પણ એક ઉચ્ચ શિક્ષિત ડૉક્ટર નેટવર્ક પણ સક્રિય હતું. મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત આ લોકો ‘લો એક્સપોઝર – હાઈ એક્સપર્ટીઝ’ મોડલ હેઠળ કામ કરતા હતા જેથી સુરક્ષા એજન્સીને કોઈ શંકા ન થાય. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં OGW સક્રિય હતા, જેમણે આતંકીઓને રહેવાની જગ્યા, વાહનો, નાણાં અને અન્ય લોજિસ્ટિક મદદ આપી હતી.
- સહારનપુરમાં ફોરેન્સિક, કાનપુરમાં સેફ-હાઉસ શોધ
સહારનપુરમાં મળેલા વાહનોની ફોરેન્સિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે. કાનપુરમાં ભાડાના મકાનો, સંભવિત સેફ–હાઉસ અને શંકાસ્પદ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની શોધ ચાલુ છે. કોલ ડેટા, મેસેજિંગ ચેટ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ બતાવે છે કે આ નેટવર્ક બહુ-રાજ્ય સ્તરે ફેલાયેલું હતું.
- ‘B ટીમ’ની ઓળખ, મોટી કાર્યવાહી શક્ય
NIAએ મૉડ્યુલની ‘B ટીમ’ — એટલે કે તેઓ જે સીધા ધડાકામાં સામેલ ન હતા, પરંતુ કાવતરું, છુપાવવું અને મદદ પૂરી પાડવામાં સક્રિય હતા — તેમની ઓળખ કરી લીધી છે. આ લોકો પર આગામી દિવસોમાં કડક કાર્યવાહી થઈ શકે છે.
આરોગ્ય ક્ષેત્ર અને મેડિકલ વ્યવસાયને કવર તરીકે ઉપયોગ કરનાર શંકાસ્પદ ડૉક્ટરો અને સહયોગીઓની પૂછપરછ ચાલુ છે. શરૂઆતની તપાસ દર્શાવે છે કે સામાન્ય મેડિકલ પ્રેક્ટિસની આડમાં આતંકી પ્રવૃત્તિઓ છુપાવવામાં આવતી હતી.


Leave a Comment