અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મટનગલી વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ ભરાતા કરુણ અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા પર સવાર યુવક અને યુવતી પાણી ભરાયેલા ખાડામાં વીજકરંટ લાગતાં નીચે પટકાયા હતા.
ઘટના સ્થળે લોકો ભેગા થયા બાદ તરત જ ફાયર વિભાગ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી,
પરંતુ પાણીમાં વીજકરંટ હોવાને કારણે અંદર જઈ શકી નહોતી. ત્યારબાદ વીજ કંપનીને જાણ કરવામાં આવી અને વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો. વીજળી બંધ થયા પછી રેસ્ક્યુ ટીમ અંદર પ્રવેશી હતી.
ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા મોટી મુશ્કેલી
જ્યારે અંદર તપાસ કરવામાં આવી ત્યારે એક્ટિવા (નંબર GJ-27 DD 0314) પર સવાર યુવક અને યુવતીનું સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને નારોલ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં અનેક જગ્યાએ પડેલા જોખમી ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સામાન્ય પાણી ભરાયેલા ખાડામાં કથિત વીજકરંટ ફેલાતા આ દુર્ઘટના બની હતી.
પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



Leave a Comment