Dream11 refuses to sponsor team india: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એશિયા કપ શરૂ થવા પહેલાં જ મુશ્કેલી ઊભી થઈ છે. ઓનલાઈન ફેન્ટસી ગેમિંગ કંપની Dream11એ જાહેરાત કરી છે કે હવે તે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે.
હાલમાં સંસદે પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઑનલાઈન ગેમિંગ બિલ, 2025 પાસ કર્યું છે, જેમાં ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાથી Dream11ના બિઝનેસ પર મોટી અસર થઈ છે.
એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે
મીડિયા રિપોર્ટ મુજબ, Dream11ના પ્રતિનિધિઓ મુંબઈ સ્થિત BCCI હેડક્વાર્ટર પહોંચીને CEO હેમાંગ અમીનને આ નિર્ણયની સત્તાવાર જાણકારી આપી. BCCI હવે ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવા માટે ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાનો છે.
Dream11એ જુલાઈ 2023માં 358 કરોડ રૂપિયાના કરાર સાથે BCCIને સ્પોન્સરશીપ આપી હતી. આ કરાર હેઠળ Dream11ને ભારતીય પુરૂષ, મહિલા, અંડર-19 અને ભારત-A ટીમની કિટ સ્પોન્સરશીપના અધિકાર મળ્યા હતા. કંપનીએ અગાઉ Byju’sને રિપ્લેસ કર્યું હતું.
Dream11ના મુખ્ય બિઝનેસ પર અસર થશે
કરારમાં ખાસ જોગવાઈ હતી કે જો સરકારના નવા કાયદાથી Dream11ના મુખ્ય બિઝનેસ પર અસર થશે, તો તેને કરાર તોડવા બદલ કોઈ દંડ ચૂકવવાનો રહેશે નહીં. Dream11ની સ્થાપના 18 વર્ષ પહેલાં થઈ હતી અને હાલ તેની માર્કેટ વેલ્યૂ લગભગ $8 બિલિયન છે.



Leave a Comment