બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આગામી 14મી નવેમ્બરના રોજ મતગણતરી થશે અને પરિણામો જાહેર થશે. પરંતુ તે પહેલાં જ, વિવિધ સર્વે એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે,
જેમાં મોટાભાગની એજન્સીઓએ એનડીએ (NDA) માટે જીતની આગાહી કરી છે. બિહારની રાજકીય હવા અનુસાર, આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટો પક્ષ બની શકે છે, જ્યારે નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) [JDU] ને પણ 60 થી 80 બેઠકો સુધીનો લાભ મળી શકે છે.
- 90 બેઠકો મળવાની શક્યતા
બીજી બાજુ, કોંગ્રેસને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના સરેરાશ આંકડાઓ દર્શાવે છે કે NDAને આશરે 146 બેઠકો, જ્યારે મહાગઠબંધન (Grand Alliance) ને માત્ર 90 બેઠકો મળવાની શક્યતા છે.
પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી આ ચૂંટણીમાં ખાસ દેખાવ કરી શકી નથી અને માત્ર શૂન્યથી બે બેઠકો સુધી સીમિત રહી શકે છે. અન્ય સ્વતંત્ર અથવા નાના પક્ષોના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે.
- બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન
ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં બિહારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું, જે રાજય માટે એક રેકોર્ડ ગણાય છે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું અને કોઈ મોટા તણાવના બનાવો નોંધાયા નથી. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતી જરૂરી છે. હાલ રાજ્યમાં NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે.
બીજી બાજુ, વિરોધ પક્ષોએ ખાસ કરીને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું છે, જેમાં કેટલાક ડાબેરી તથા પ્રાદેશિક પક્ષોનો પણ સમાવેશ છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે બીજા તબક્કામાં થયેલું રેકોર્ડબ્રેક મતદાન અનેક વિસ્તારોમાં ઉમેદવારોની સ્થિતિમાં ફેરફાર લાવી શકે છે. પરંતુ હાલના અનુમાન મુજબ, NDAની પકડ મજબૂત દેખાઈ રહી છે.
- બિહારમાં કયા પક્ષે કેટલી બેઠકો પર ચૂંટણી લડી?
NDA
ભારતીય જનતા પાર્ટી – 101
જનતા દળ યુનાઇટેડ – 101
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) – 28
હિન્દુસ્તાની આવામ મોરચા – 6
રાષ્ટ્રીય લોક મોરચા – 6
મહાગઠબંધન
રાષ્ટ્રીય જનતા દળ – 143
કોંગ્રેસ – 61
કોમ્યુનિસ્ટ પાર્ટી (માલે) – 20
વિકાસશીલ ઇન્સાન પાર્ટી – 12
કોમ્યુનિસ્ટ પાર્ટી – 9
કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – 4
ઇન્ડિયન ઇનકલુઝિવ પાર્ટી – 3
- OTHERS
જન સુરાજ પાર્ટી – 238
બહુજન સમાજ પાર્ટી – 130
આમ આદમી પાર્ટી – 121
જનશક્તિ જનતા દળ – 22
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસલમીન – 25
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી – 25
આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) – 25
- ભાજપ માટે ખુશીના સંકેત આપ્યા
બિહારના રાજકીય વર્તુળોમાં હવે દરેકની નજર 14 નવેમ્બર પર છે, જ્યારે અંતિમ પરિણામો બહાર આવશે. NDA ફરી સત્તા પર આવશે કે મહાગઠબંધન કોઈ ચમત્કાર સર્જશે, તે જાણવા માટે હવે માત્ર થોડા દિવસો બાકી છે. પરંતુ હાલના એક્ઝિટ પોલના અનુમાનોએ બિહારમાં નીતિશ કુમાર અને ભાજપ માટે ખુશીના સંકેત આપ્યા છે, જ્યારે કોંગ્રેસ માટે મુશ્કેલીના દિવસો આગળ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Leave a Comment