દિલ્હી: રાજશ્રી પાન મસાલા અને કમલા પસંદ ગ્રુપના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. દીપ્તિનો મૃતદેહ તેમના ઘરમાં સ્કાર્ફથી લટકતો હાલતમાં મળ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી.
ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં દીપ્તિએ કોઈ વ્યક્તિ સામે કોઈ પ્રકારનો સીધો આરોપ લગાવ્યો નથી. નોટમાં માત્ર તેની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સંબંધિત લખાણ જોવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ ઝઘડો અથવા ઉત્પીડન સંબંધિત કોઈ પુરાવા મળે નથી.
દીપ્તિએ 2010માં અર્પિત ચૌરસિયા, કમલ કિશોરના પુત્ર સાથે લગ્ન કર્યા હતા. દંપતીના બે બાળકો છે. પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં રહે છે, જ્યારે દીપ્તિનો માતૃપરિવાર બિહારનો છે, જ્યાં તેના પિતા રાજકારણમાં સક્રિય રહ્યા હતા.
પોલીસે દીપ્તિ અને તેના પતિ અર્પિત વચ્ચેના સંબંધ, તાજેતરની પ્રવૃત્તિઓ, ફોન રેકોર્ડ્સ અને ડિજિટલ ચેટ્સ સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. બંને પરિવારોના નિવેદનો પણ લેવાઈ રહ્યા છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. ફોરેન્સિક ટીમ દ્વારા સુસાઈડ નોટના હસ્તાક્ષરની પણ પડતાલ કરવામાં આવશે. દીપ્તિ શાંત સ્વભાવની હતી, જેના કારણે તેના આપઘાતની ઘટના પરિવાર અને ઓળખીતાઓ માટે આઘાતજનક બની છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ ચાલુ રાખી રહી છે.



Leave a Comment